મુખ્ય પ્રધાનની મંજૂરી વિના ૫૦૦ કરોડની જાહેરાત કેમ અપાઈ? : અજિત પવાર

10 March, 2023 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં વિધાનભવનમાં ચાલી રહેલા બજેટસત્રમાં વિરોધ પક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું

અજિત પવાર

રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની સરકાર હતી ત્યારે ઇન્ફર્મેશન અને પબ્લિસિટી વિભાગ દ્વારા મુખ્ય પ્રધાનની મંજૂરી વિના ૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી. ૨૦૧૯માં સરકારી અધિકારીઓએ આ જાહેરાતો આપવા માટેની મંજૂરી આપી હતી તો અત્યારના મુખ્ય પ્રધાન આ અધિકારીઓ સામે પગલાં લે એવી માગણી વિરોધ પક્ષના નેતા અજિત પવારે ગઈ કાલે વિધાનસભામાં કરી હતી.

મુંબઈમાં વિધાનભવનમાં ચાલી રહેલા બજેટસત્રમાં વિરોધ પક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે ‘સરકારી અધિકારીઓએ ફાઇલ પર નોંધ્યું છે કે મુખ્ય પ્રધાનની મંજૂરી લીધા વિના તેમણે ૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હોવાની જાણ કરી હતી. ૨૦૧૯-’૨૦માં સરકારે જાહેરાત આપવા માટેનું આ પેમેન્ટ અટકાવી રાખ્યું હતું, કારણ કે એને મંજૂરી નહોતી અપાઈ. હવે અત્યારની સરકારે આ પેમેન્ટ આપવાના ઑર્ડર આપ્યા છે. આ ગંભીર બાબત છે અને સરકારે આવી ગતિવિધિને સહયોગ ન કરવો જોઈએ. મુખ્ય પ્રધાનની મંજૂરી વિના કરોડો રૂપિયાની જાહેરાત આપનારા અધિકારીઓને દંડ કરવાની સાથે સસ્પેન્ડ કરવા જોઈએ. ૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત આપતાં પહેલાં મુખ્ય પ્રધાનની મંજૂરી જરૂરી છે, પણ ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં મંજૂરી વિના આવી જાહેરાતો આપવામાં આવી હતી.’

ઉલ્લેખનીય છે કે ૨૦૧૪-’૧૯ દરમ્યાન રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની સરકાર હતી ત્યારે બીજેપીની શિવસેના સાથે યુતિ હતી. ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરેએ બીજેપી સાથેની યુતિ તોડીને એનસીપી અને કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકારની સ્થાપના કરી હતી. અજિત પવારે આ વિશે વિધાનસભામાં ગઈ કાલે વધુમાં કહ્યું હતું કે ‘સરકાર બદલ્યા બાદ તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ધ્યાનમાં આ વાત લાવવામાં આવતાં તેમણે ૫૦૦ કરોડ રૂપિયાનું જાહેરાતનું પેમેન્ટ અટકાવી દીધું હતું. હવે અત્યારની સરકારે પેમેન્ટ આપવાનો ઑર્ડર આપ્યો છે. આ યોગ્ય નથી એટલે સરકારે એ સમયના સંબંધિત અધિકારીઓ સામે પગલાં લેવાં જોઈએ.’

mumbai mumbai news maharashtra eknath shinde devendra fadnavis ajit pawar