04 September, 2021 08:32 AM IST | Mumbai | Priti Khuman Thakur
સેન્ટ્રલ રેલવેમાં મહિલા આરપીએફ લોકલમાં હથિયાર સાથે પૅટ્રોલિંગ કરે છે અને તેમનાથી ફટકા ગૅન્ગ ખૂબ ડરે છે
સેન્ટ્રલ રેલવેએ લોકલ ટ્રેનમાં હથિયારો સાથે આશરે છ મહિના પહેલાં મહિલા આરપીએફની નિયુક્તિ કરી હતી. એથી લોકલના મહિલા-પુરુષ કોચમાં આ મહિલાઓ સવારથી રાત સુધી પૅટ્રોલિંગ કરતી જોવા મળે છે. આ મહિલા આરપીએફ રેલવે પ્રવાસીઓને સુરક્ષાની સાથે સમજણ પણ પૂરી પાડે છે કે દરવાજા પાસે મોબાઇલ લઈને ઊભા રહેવું નહીં. આ બધાનું પૉઝિટિવ રિઝલ્ટ આવ્યું છે અને ફટકા ગૅન્ગને જ ફટકા મળી રહ્યા હોય એ રીતે છેલ્લા ચાર મહિનામાં એકેય કેસ બન્યા નથી અને ભવિષ્યમાં પણ આવા કેસ બને નહીં એની તેઓ તકેદારી લઈ રહ્યા છે.
આ વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીવાસ્તવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેમાં ક્રાઇમને કન્ટ્રોલ કરવા આરપીએફ, જીઆરપી સતત કામ કરતી હોય છે. એમાં આર્મ્સ સાથે મહિલા આરપીએફને તહેનાત કર્યા બાદ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૦માં લૉકડાઉન હોવાને કારણે આમ આદમીને પ્રવાસ કરવાની અનુમતિ ન હોવાથી એ વર્ષને ગણવામાં આવતું નથી. એથી વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧ની સરખામણી કરવામાં આવે તો ૯૮ ટકા જેવો ફરક પડ્યો કહી શકાય. એમાં પણ છેલ્લા ચારેક મહિનાથી એક પણ કેસ બન્યો નથી. ફટકા ગૅન્ગનો ઘણો ત્રાસ પ્રવાસીઓએ સહન કરવો પડી રહ્યો હતો અને એમાં અનેક વખત પ્રવાસીના મોબાઇલ સાથે તેનો જીવ પણ જોખમમાં મુકાય એમ છે. આરપીએફને આર્મ્સ સાથે જોતાં ફટકા ગૅન્ગના લોકોમાં થોડો ડર પણ ઊભો થયો છે. તેમ જ આરપીએફ લોકલમાં પૅટ્રોલિંગ કરતી વખતે પ્રવાસીઓને ફુટબોર્ડ પર મોબાઇલનો ઉપયોગ ન કરવા બાબતે સમજાવતા હોય છે. આ રીતે ક્રાઇમ કન્ટ્રોલ કરવામાં મદદ મળી છે.’