18 June, 2022 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરની રિદ્ધિ ભાનુશાલીને કરવું છે ઍક્ચ્યુરિયલ સાયન્સ
ઘાટકોપર-વેસ્ટમાં રહેતી અને એસ. ટી. મહેતા ઇંગ્લિશ મીડિયમ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિની રિદ્ધિ જતીન ભાનુશાલી ગઈ કાલે દસમા ધોરણમાં ૯૫.૪૦ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ હતી. તેને ભવિષ્યમાં કૉમર્સ ફીલ્ડમાં ઍક્ચ્યુરિયલ સાયન્સ કરવું છે.
મને ૯૮ ટકા માર્ક્સની અપેક્ષા હતી અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે મેં મારા બૅડ્મિન્ટન રમવાના, ટીવી જોવાના, મોબાઇલના એમ બધા જ શોખોને તિલાંજલિ આપી હતી એમ જણાવતાં રિદ્ધિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી અપેક્ષા પૂરી કરવા હું દિવસમાં સ્કૂલના સમય સહિત ૧૩ કલાક અભ્યાસ કરતી હતી. નાનપણથી જ હું ભણવામાં હોશિયાર હતી. મારી એસવાય કૉમર્સ સુધી ભણેલી મમ્મી સરલા મને સાતમા ધોરણ સુધી ભણાવતી હતી. મારો ભાઈ ધ્રુવિન સીએ ફાઇનલમાં છે. તે મને ભણવામાં સહાયરૂપ થતો હતો. અમારા બન્નેની સફળતામાં મમ્મી અને પપ્પાનો ખૂબ જ સહયોગ રહ્યો છે. તેમને કારણે જ હું સફળતા મેળવી શકી છું.’