૩૦૦ રૂપિયા કમાવાની લાલચમાં ૧૫.૪૧ લાખ રૂપિયા ગુમાવ્યા

23 November, 2022 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીને રોજ ઘણા સારા પૈસા મેળવવાની લાયમાં પવઈના રિટાયર્ડ વડીલ સાથે થયું સાઇબર ફ્રૉડ

પ્રતીકાત્મક તસવીર

પવઈમાં રહેતા ૫૯ વર્ષના શરદ અગ્રવાલને પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવા માટેનો એસએમએસ આવ્યો હતો. એના પર ક્લિક કરતાં ૩૦૦ રૂપિયા કમાવા માટેની અમુક શરતો મૂકવામાં આવી હતી. એની વધુ માહિતી લઈને ઇન્વેસ્ટમેન્ટ કરી દિવસના ઘણા સારા પૈસા કમાવાની લાલચ તેમને આપવામાં આવી હતી. ધીરે-ધીરે તેમણે પૈસા કમાવા માટે ૧૫.૪૧ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જોકે પૈસા પાછા કાઢવા જતાં એ નીકળ્યા નહોતા. ત્યારે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેમણે સાઇબર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

પવઈના ચાંદિવલીમાં એમ. એમ. શેટ્ટી સ્કૂલ નજીક રહેતા શરદ અગ્રવાલે કરેલી ફરિયાદ અનુસાર ચોથી નવેમ્બરે તેમને વૉટ્સઍપ પર પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવા માટેનો એક મેસેજ મળ્યો હતો. એની વધુ માહિતી લેતાં ફ્લિપકાર્ટ કંપનીમાં કામ કરતી હોવાનું કહીને અલાઇન્સ નામની મહિલા સાથે તેમની ઓળખા‌ થઈ હતી. તેણે ફ્લિપકાર્ટ કંપનીની અમુક પ્રોડક્ટ્સ ઑનલાઇન લાઇક કરીને દિવસના ૩૦૦ રૂપિયા કમાવા માટેની લાલચ આપી હતી. એ પછી અલાઇન્સ નામની મહિલાએ જેની નામની મહિલાનો નંબર શરદભાઈને આપ્યો હતો. તેનો સંપર્ક કરતાં જેની ઍમેઝૉન કંપનીમાં કામ કરતી હોવાની માહિતી શરદભાઈને આપી હતી. એ પછી જેનીએ એક લિન્ક શરદભાઈને મોકલી હતી જે સેમ ઍમેઝૉનની વેબસાઇટ જેવી જ તૈયાર કરવામાં આવી હતી, જેના પરથી કોઈ વસ્તુ ખરીદીને વેચાણ પર ૨૦ ટકા પ્રૉફિટ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. ફરિયાદી શરદભાઈએ બે વખત નાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું જેમાં તેમને સારું રિટર્ન મળ્યું હતું. એ પછી વધુ પૈસા કમાવા માટે શરદભાઈએ ધીરે-ધીરે ૧૫,૪૧,૬૪૨ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. ત્યાર પછી પોતાની મૂડી અને પ્રૉફિટ કાઢવાની કોશિશ કરતાં તેમને કંઈ મળ્યું નહોતું. છેવટે તેમણે સાઇબર પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી હતી.

સાઇબર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. ફરિયાદીના પાંચથી સાત અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે, જેની અમે તપાસ કરી રહ્યા છીએ.’  

mumbai mumbai news mumbai crime news Crime News cyber crime powai