લોકલ ટ્રેનોમાં સવારે પાંચથી ૧૧ વાગ્યા સુધી ૩ ડબ્બા સ્ટુડન્ટ્સ માટે રિઝર્વ રાખો

12 August, 2026 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPનાં કૉર્પોરેટર તેજસ્વી ઘોસાળકરની રેલવેપ્રધાન સમક્ષ અનોખી માગણી

તેજસ્વી ઘોસાળકર

ભારતીય જનતા પાર્ટી (BJP)નાં દહિસરમાં આવેલા વૉર્ડ-નંબર બેનાં કૉર્પોરેટર તેજસ્વી ઘોસાળકરે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને વિનંતી કરી છે કે મુંબઈની લોકલ ટ્રેનોમાં 
સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ માટે બારમાંથી ત્રણ કોચ અનામત રાખવામાં આવે. રેલવેપ્રધાનને લખેલા પત્રમાં તેજસ્વી ઘોસાળકરે પ્રસ્તાવ મૂક્યો હતો કે સવારના ભીડના સમયમાં વિદ્યાર્થીઓની મુસાફરીને સરળ બનાવવા માટે સવારે પાંચથી ૧૧ વાગ્યા સુધી ૩ કોચ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે. તેજસ્વી ઘોસાળકરે સેન્ટ્રલ અને વેસ્ટર્ન બન્ને લાઇનમાં ખાસ કરીને ચર્ચગેટ-દહાણુ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)-ડોમ્બિવલી/આસનગાવ રૂટ પર અલાયદા કોચની માગણી કરી છે. તેમણે દલીલ કરી હતી કે વિદ્યાર્થીઓ માટે સમર્પિત કોચ મુંબઈની કૉલેજો અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા યુવાન મુસાફરોને રાહત આપશે.

હાલમાં મુંબઈ લોકલ ટ્રેનોમાં મહિલાઓ માટે બે કોચ અનામત રાખવામાં આવ્યા છે જેમાં એક ફર્સ્ટ-ક્લાસ કોચ અને એક લગેજ ડબ્બો છે. પીક અવર્સ દરમ્યાન બાકીના કોચમાં ભારે ભીડ જોવા મળે છે જેના કારણે ભીડની દૃષ્ટિએ ફર્સ્ટ-ક્લાસ અને જનરલ ડબ્બાઓ વચ્ચે દેખીતી રીતે બહુ ઓછો તફાવત રહે છે.
જોકે ફક્ત વિદ્યાર્થીઓ માટે ૩ વધારાના કોચ અનામત રાખવાનો પ્રસ્તાવ અન્ય મુસાફરો માટેના ઉપલબ્ધ કોચ વિશે પણ ચિંતા પેદા કરી શકે છે. મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્કમાં ભીડના સમયે પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો રહે છે, અેથી ૩ કોચ અલગ રાખવાથી બાકીના ડબ્બાઓમાં ભીડ વધી શકે છે.

mumbai news mumbai mumbai local train indian railways mumbai trains bhartiya janta party bjp bharatiya janata party ashwini vaishnaw