વિધાન પરિષદની ગ્રૅજ્યુએટ્સની ચૂંટણી અંધારામાં રખાતાં નારાજગી

08 February, 2023 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને પાર્ટીના વિધિમંડળના નેતા બાળાસાહેબ થોરાત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગઈ કાલે જન્મદિવસે જ પાર્ટીના વિધાનસભાના નેતાપદેથી બાળાસાહેબ થોરાતે રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું

વિધાન પરિષદની ગ્રૅજ્યુએટ્સની ચૂંટણી અંધારામાં રખાતાં નારાજગી

મુંબઈ : મહારાષ્ટ્ર કૉન્ગ્રેસમાં અત્યારે ઘમસાણ ચાલી રહ્યું છે. પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને પાર્ટીના વિધિમંડળના નેતા બાળાસાહેબ થોરાત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગઈ કાલે જન્મદિવસે જ પાર્ટીના વિધાનસભાના નેતાપદેથી બાળાસાહેબ થોરાતે રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કેન્દ્રના હાઈ કમાન્ડને રાજીનામું મોકલીને નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે ‘ગ્રૅજ્યુએટ્સ મતદાર સંઘની વિધાન પરિષદની ચૂંટણીમાં સત્યજિત તાંબેને ઉમેદવારી આપવા માટે કેન્દ્રના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત થઈ ગઈ હતી. આમ છતાં અંતિમ સમયે રાજ્યમાં આ મામલે રાજકારણ રમાયું હતું અને પોતાને આ બાબતે અંધારામાં રાખવામાં આવ્યા હતા.’

રાજીનામાનું કારણ આપતાં તેમણે કહ્યું હતું કે ‘સત્યજિત તાંબે મારા પરિવારનો છે. રાજકારણમાં સંબંધ જોડવાનું મહત્ત્વ હોય છે. એના માટે મેં દિલ્હીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી. તેને સમર્થન આપવા માટે બધા તૈયાર હતા. જોકે અચાનક અંતિમ સમયે આ મામલે રાજકારણ રમવામાં આવ્યું હતું અને મને અંધારામાં રાખવામાં આવ્યો હતો. મારા પરિવારની વ્યક્તિ સાથેનો આ વહેવાર યોગ્ય નથી.’

સામે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ‘બાળાસાહેબ થોરાત અમારા પાર્લમેન્ટરી બોર્ડમાં છે. તેમણે સત્યજિત તાંબેને ઉમેદવારી આપવા બાબતે કંઈ કહ્યું નહોતું. એટલું જ નહીં, સત્યજિતે પણ ઉમેદવારી નહોતી માગી. મેં શરૂઆતમાં જ આ વિવાદનો અંત લાવવામાં પ્રયાસ કર્યો હતો. આ કુટુંબનો વિવાદ છે. એની અસર પક્ષ પર ન થવી જોઈએ. હવે તેમને શું પ્રૉબ્લેમ થયો? મને ખબર નથી.

વરલીમાં ઠાકરે વિરુદ્ધ ઠાકરે?

વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે છ મહિનાથી કહી રહ્યા છે કે હિંમત હોય તો એકનાથ શિંદે અહીંથી પોતાની સામે ચૂંટણી લડીને બતાવે. તેમને બીજેપીના નેતા મોહિત કંબોજે વરલીની બહાર નીકળીને ચૂંટણી લડવાનો પડકાર ફેંકતાં બાદમાં આદિત્ય ઠાકરેએ થાણેમાં ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. જોકે આ બધા વચ્ચે નવી વાત જાણવા મળી છે કે વરલીમાં એકનાથ શિંદે જૂથ બાળાસાહેબ ઠાકરેના સૌથી મોટા પુત્ર સ્વ. બિન્દુમાધવ ઠાકરેના પુત્ર નિહાર ઠાકરેને આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડાવવાની વિચારણા કરી રહ્યું છે. આમ થશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરે વિરુદ્ધ ઠાકરે જંગ થઈ શકે છે. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ બિન્દુમાધવ ઠાકરેના વકીલ પુત્ર નિહાર ઠાકરેએ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હતો. તે અત્યારે સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના સત્તાસંઘર્ષ બાબતે ચાલી રહેલી લડતમાં શિંદે જૂથને કાનૂની સલાહ આપી રહ્યો છે. તેણે એકનાથ શિંદે બાળાસાહેબની શિવસેનાને આગળ વધારી રહ્યા હોવાનું કહ્યું છે. આથી આગામી વરલી વિધાનસભાની ચૂંટણીમાં નિહારને આદિત્ય ઠાકરે સાથે ભીડવાનો પ્લાન ઘડાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત બાળાસાહેબ ઠાકરે પરિવારમાંથી આદિત્ય ઠાકરેએ વરલી વિધાનસભાની ચૂંટણી લડી હતી. અહીંના શિવસેનાના વિધાનસભ્યને બાજુએ રાખીને આદિત્ય ઠાકરેને આ બેઠક ફાળવાઈ હતી. આદિત્ય ઠાકરે સરળતાથી વિજયી થાય એ માટે અહીંના ભૂતપૂર્વ વિધાનસભ્ય સચિન અહિરને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો. આ બેઠક બીજેપી સાથેની યુતિમાં લડવામાં આવી હતી અને આદિત્ય ઠાકરેનો વિજય થયો હતો. આથી આગામી ચૂંટણીમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથ સાથે ચૂંટણી લડશે તો આદિત્ય ઠાકરે માટે મોટો પડકાર ઊભો થવાની શક્યતા છે. 

mumbai mumbai news maharashtra congress