૧૭ જાન્યુઆરીએ યોજાનારી તાતા મુંબઈ મૅરથૉનનું રજિસ્ટ્રેશન શરૂ

03 August, 2026 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉનનું રજિસ્ટ્રેશન શુક્રવારે ૩૧ જુલાઈએ સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૭ની ૧૭ જાન્યુઆરીએ યોજાનારી તાતા મુંબઈ મૅરથૉન માટેનું રજિસ્ટ્રેશન શુક્રવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. એ જ રીતે અન્ય કૅટેગરી માટેના રજિસ્ટ્રેશનની તારીખો પણ ઇવેન્ટના પ્રમોટર્સ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઈ મૅરથૉનમાં આખી દુનિયાના ઍથ્લીટ્સ અને દોડવીરો ભાગ લે છે. આ મૅરથૉનમાં જીતનારાઓને કુલ ૩,૮૯,૫૨૪ અમેરિકન ડૉલરનાં ઇનામો આપવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન ૮ નવેમ્બર સુધી બધાં જ સ્પૉટ ભરાઈ ન જાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ વખતે લાઇવ એન્ટરટેઇન્ટમેન્ટ ઇકો-સિસ્ટમને કારણે રજિસ્ટ્રેશનની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લાં અમુક વર્ષોમાં એન્ટરટેઇન્ટમેન્ટ, સ્પોર્ટ્સ વગેરેમાં થયેલા પરિવર્તનને કારણે રજિસ્ટ્રેશન-ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રજિસ્ટ્રેશન-ફી ૩૪૦૦ રૂપિયા હતી જે હવે વધીને ૫૦૦૦ રૂપિયા થઈ ગઈ છે. હાફ મૅરથૉનની રજિસ્ટ્રેશન-ફી આ વર્ષે ૨૮૦૦ રૂપિયાથી વધીને ૩૫૦૦ રૂપિયા થઈ ગઈ છે. 

રજિસ્ટ્રેશનની માહિતી 
૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉનનું રજિસ્ટ્રેશન શુક્રવારે ૩૧ જુલાઈએ સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું જે રવિવાર, ૮ નવેમ્બર સુધી અથવા બધાં જ સ્પૉટ ભરાઈ ન જાય ત્યાં સુધી ચાલુ રહેશે. હાફ મૅરથૉનનું રજિસ્ટ્રેશન ૪ ઑગસ્ટે સવારે ૭ વાગ્યે શરૂ થશે જે ૧૮ ઑગસ્ટ સુધી અથવા બધાં જ સ્પૉટ ભરાઈ ન જાય ત્યાં સુધી ચાલુ રહેશે. ૧૦ કિલોમીટરની મૅરથૉનનું રજિસ્ટ્રેશન મંગળવારે ૧૧ ઑગસ્ટે સવારે ૭ વાગ્યે શરૂ થશે અને એ જ દિવસે રાત્રે ૧૧.૫૯ વાગ્યે અથવા સ્પૉટ ભરાઈ જાય ત્યાં સુધી ચાલુ રહેશે.

mumbai news mumbai mumbai marathon