રાજાવાડી હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર લઈ રહેલા ક્રિટિકલ દરદીની આંખમાં ઉંદર કરડી ગયો

23 June, 2021 11:54 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આ ઘટના બાદ હૉસ્પિટલની મુલાકાત લેવા આવેલાં મેયર કિશોરી પેડણેકર

આઈસીયુમાં સારવાર લઈ રહેલા ક્રિટિકલ પેશન્ટને આંખ પર ઉંદર કરડ્યો હતો

ઘાટકોપર ખાતે આવેલી મુંબઈ મહાનગરપાલિકાની રાજાવાડી હૉસ્પિટલમાં જબરદસ્ત આઘાત આપતો એક બનાવ સામે આવ્યો છે. હૉસ્પિટલના આઇસીયુમાં બેભાન જેવી અવસ્થામાં સારવાર લઈ રહેલા એક પેશન્ટની ડાબી આંખમાં ઉંદર કરડી ગયો હોવાનું બહાર આવ્યું છે. ઉંદર કરડવાને કારણે પેશન્ટની આંખ પાસેથી લોહી પણ આવ્યું હતું. આ બનાવ ચર્ચાનો વિષય બનતાં એની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈ કાલે મેયરે હૉસ્પિટલની મુલાકાતે આવવું પડ્યું હતું.

હૉસ્પિટલના આઇસીયુમાં ૨૪ વર્ષનો શ્રીનિવાસ યલ્લપા છેલ્લા બે દિવસથી સારવાર લઈ રહ્યો છે. તેનું લિવર ખરાબ થયું હોવાની સાથે તેને દમ થયો હોવાથી તેની હાલત ક્રિટિકલ છે. હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી તેને જોવા માટે ગઈ કાલે તેના સંબંધી હૉસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે તેની આંખમાંથી લોહી જતું હોવાનું તેમને દેખાયું હતું. પેશન્ટની બહેને તેની આંખની તપાસ કરતાં આંખમાં ઉંદર કરડ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ વિશે માહિતી આપતાં પેશન્ટની બહેન યશોદા યલ્લપાએ જણાવ્યું હતું કે ‘ભાઈને મળવા ગઈ કાલે હું હૉસ્પિટલ પહોંચી ત્યારે તેની આંખ પર પટ્ટી લગાડેલી હતી અને લોહી જેવું દેખાયું હતું. એથી પટ્ટીને થોડી દૂર કરીને જોતાં ત્યાં જખમ દેખાયો હતો. એથી મેં હૉસ્પિટલમાં નર્સને એ વિશે પૂછતાં તેણે ઊલટો જ જવાબ આપ્યો હતો. આ રીતે સરકારી હૉસ્પિટલ કામ કરશે તો અમારા જેવા સામાન્ય વર્ગના લોકો સારવાર લેવા ક્યાં જશે? આઇસીયુનો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા છતાં ત્યાં ઉંદરો ફરે છે.’

આ ઘટના બાદ હૉસ્પિટલની મુલાકાત લેવા આવેલાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે ‘આવી ઘટના બનવી જોઈએ નહીં. ઉંદર મારવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમને મુંબઈમાં ફરી આવો કોઈ બનાવ ન બને એ વિશે અલર્ટ કરવામાં આવશે.’

mumbai mumbai news rajawadi hospital preeti khuman-thakur