રામના નામે રાજ ઠાકરેનું કમ-બૅક

30 January, 2021 08:32 AM IST  |  Mumbai | Dharmendra Jore

રામના નામે રાજ ઠાકરેનું કમ-બૅક

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને મુંબઈ અને મહારાષ્ટ્ર સ્તરના રાજકારણમાં સન્માન અને ગરિમાપૂર્ણ સ્તરે પહોંચાડવા એ પક્ષના નેતા રાજ ઠાકરેએ હિન્દુત્વ અને મરાઠી મુદ્દા પર સક્ષમ ભૂમિકા તૈયાર કરી છે. તેઓ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં અયોધ્યા ખાતે રામજન્મભૂમિ મંદિરે દેવ દર્શનાર્થે જશે અને ત્યાર પછી પક્ષનો સ્થાપના દિન ઊજવ્યા બાદ આખા રાજ્યના ૩૦ દિવસના પ્રવાસે રવાના થશે. યોગાનયોગ રામમંદિર માટે ભંડોળ એકઠું કરવાના અભિયાન દરમ્યાન જ રાજ ઠાકરે અયોધ્યા જવાના છે.

રાજ ઠાકરેએ ગયા શુક્રવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વરિષ્ઠ નેતાઓ જોડે ભાવિ ચૂંટણીઓ માટે પક્ષની તૈયારી અને લાંબા ગાળાના રાજકીય વ્યુહની ચર્ચા કરી હતી. એ બેઠકમાં ભવિષ્યના રાજકીય કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા હતા. મનસેના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાળા નાંદગાંવકરે રાજ ઠાકરેના ભાવિ કાર્યક્રમો અને ભાવિ ચૂંટણીઓ માટે પક્ષની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. બાળા નાંદગાંવકરે જણાવ્યું હતું કે ‘રાજ ઠાકરે આગામી ૧ થી ૯ માર્ચ વચ્ચેની તારીખોમાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની મુલાકાતે જશે. ત્યાંથી પાછા આવ્યા પછી ૯ માર્ચે તેઓ પક્ષનો સ્થાપના દિન ઊજવશે. આવતા માર્ચ-એપ્રિલ મહિનામાં નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, વસઈ-વિરાર, ઔરંગાબાદ અને ભીવંડીની સુધરાઈઓની ચૂંટણીઓ યોજાશે. ત્યારપછી આવતા વર્ષે મુંબઈ અને થાણે સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પણ યોજાશે. ટૂંકમાં આ એકાદ વર્ષના ગાળામાં વિધાનસભાની ચૂંટણીની લઘુ આવૃત્તિનો માહોલ બનશે. મુંબઈ મહાનગર પરદેશના શહેરોની સુધરાઈઓની ચૂંટણીઓમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની વ્યાપક સહભાગિતા રહેશે.’

જોકે, ગઈ કાલની બેઠકમાં રાજ ઠાકરેની પુત્રવધુની હાજરીને લઈને પૉલિટિકલ સર્કલમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે કે તેઓ હવે પોતાના દીકરા બાદ પુત્રવધુ મિતાલી ઠાકરેને પણ રાજકારણમાં ઉતારવાના છે?

રાજ બાદ ફડણવીસની પણ અયોધ્યા જવાની જાહેરાત

રાજ ઠાકરેની અયોધ્યા જવાની જાહેરાત બાદ બીજેપીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રાજ ઠાકરેએ આ એક સારો નિર્ણય લીધો છે. બધાએ અયોધ્યા જવું જોઈએ. હું પણ અયોધ્યા જવાનો છું.’

mumbai mumbai news brihanmumbai municipal corporation raj thackeray dharmendra jore