22 July, 2026 02:41 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પૂણેના કાત્રજમાં ભરરસ્તે એક સગીરનું કાસળ કાઢી (Pune Murder) નખાયાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ છે. એક ૧૭ વર્ષનો છોકરો મોબાઈલ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો પણ જૂની અદાવતનો બદલો લેવા માટે સાત યુવકોએ બાઇક પર આવીને તેનો પીછો કર્યો હતો અને જાહેર રોડ પર તેની આસપાસ ઘેરો ઘાલીને તેનું તીક્ષ્ણ કોયતા વડે કાસળ કાઢી નાખ્યું હતું.
આ ઘટના (Pune Murder) સોમવારની રાત્રે ૧૦ વાગ્યે બની હતી. ગણેશ માળવે નામનો કિશોર તેના મિત્ર સાથે રીપેર કરવા આપેલો મોબાઇલ લેવા માટે ગયો હતો. દુકાનદાર તેને રીપેર કરેલો મોબાઈલ બતાવતો હતો ત્યારે અચાનક બાઇક પર સાત યુવકો તેનો પીછો કરતાં કરતાં આવ્યા હતા. ગણેશે પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હુમલાખોરોએ થોડે દૂર જઈને તેને ઘેરી લીધો હતો અને તેના માથા, ચહેરા અને હાથ પર કોયતાથી ધડાધડ વાર કર્યા હતા. ગણેશના ત્યાં ને ત્યાં જ રામ રમી ગયા હતા. મર્ડર કર્યા બાદ તમામ હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા.
આ ઘટના (Pune Murder) બાદ ત્યાં હાજર લોકોએ તરત જ લોહીલુહાણ ગણેશને ભારતી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પણ ધારદાર શસ્ત્રને કારણે વાર કર્યો હોવાને લીધે તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સૌએ ભારતી પોલીસ સ્ટેશનમાં જઇને વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી હતી. સૌની ફરિયાદને ધ્યાનમાં રાખી પોલીસે આ મર્ડર કેસમાં કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધીને અમુકની ધરપકડ કરી હતી. ત્રણ આરોપી હજુ ફરાર હોવાનું કહેવાય છેમળી રહેલા અહેવાલો અનુસાર પોલીસે પકડાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઈને આ આખી ઘટનાનો સીન રીક્રિએટ કરાવ્યો હતો. મોટા ભાગના આરોપીઓ માઇનર હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા (Pune Murder) મળ્યું છે કે લગભગ ત્રણ મહિના પહેલાં ગણેશને મેઇન આરોપીની બહેન સાથે કોઈક બાબતે ઝગડો થયો હતો. આ જ અદાવતનો બદલો લેવા માટે આ મર્ડર કરાયું હોવાનું કહેવાય છે.
ગણેશની હત્યા બાદ તેના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કાત્રજ વિસ્તારમાં તો ભયનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ હત્યા પાછળના કારણો માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે. આ મર્ડર પાછળ માત્ર બહેન સાથેનો વિવાદ જ કારણભૂત હતો કે પછી અન્ય કોઈ ગેંગવોર કે જૂની દુશ્મનાવટ છુપાયેલી છે તે અંગે તપાસ ચાલી રહી છે.