એક્સપ્રેસવે પર ૮ કલાક અટવાઈ રહ્યા પછી પુણેના ડૉ. સુધીર મહેતા હેલિકૉપ્ટરમાં ઘરે પહોંચ્યા

05 February, 2026 06:57 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અભૂતપૂર્વ શટડાઉન : મુંબઈ તરફ આવતું જ્વલનશીલ ગૅસનું ટૅન્કર પલટી થઈ ગયું એ પછી ૨૪+ કલાક સુધી ટ્રાફિક જૅમ

હેલિકૉપ્ટરમાં ડૉ. સુધીર મહેતાએ લીધેલો સેલ્ફી.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૮ કલાક ટ્રાફિક જૅમમાં ફસાયેલા પુણેના બિઝનેસમૅન ડૉ. સુધીર મહેતા હેલિકૉપ્ટરની મદદથી પુણે પહોંચ્યા હતા. સોશ્યલ મીડિયા પર વાહનોની લાંબી લાઇનના એરિયલ વિઝ્યુઅલ શૅર કરીને તેમણે લાખો લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હોવાની વાતે નારાજગી વ્યક્ત કરી હતી.

વાહનોની કેવી લાઇન લાગી હતી એ દર્શાવતી હવાઈ તસવીર.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગૅસ-ટૅન્કરના અકસ્માતને કારણે મુસાફરો જ્યાં ફસાયા હતા ત્યાં કલાકો સુધી ટ્રાફિક જૅમમાં ફસાયેલા રહ્યા બાદ EKA મોબિલિટી અને પિનૅકલ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન ડૉ. સુધીર મહેતાએ હેલિકૉપ્ટરમાં પુણે સુધીનો પ્રવાસ કર્યો હતો. તેમણે હાઈ-સ્પીડ કૉરિડોર પર વધુ સારી ઇમર્જન્સી ઇવૅક્યુએશન સિસ્ટમ બનાવવાનું સૂચન પણ કર્યું હતું.

સોશ્યલ મીડિયા હૅન્ડલ પર ડૉ. સુધીર મહેતાએ પોસ્ટ કર્યું હતું કે ‘છેલ્લા ૧૮ કલાકથી લાખો લોકો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એક ગૅસ-ટૅન્કરને કારણે અટવાયેલા છે. આવી કટોકટી માટે આપણે એક્સપ્રેસવે પર વિવિધ પૉઇન્ટ્સ પર એક્ઝિટનું આયોજન કરવાની જરૂર છે જેથી વાહનોને પાછા ફરવા માટેનો ઑપ્શન મળી શકે. હેલિપૅડ બનાવવા માટે ૧૦ લાખ રૂપિયાથી ઓછો ખર્ચ થાય છે અને એક એકરથી ઓછા ઓપન એરિયાની જરૂર પડે છે. ઇમર્જન્સી ઇવૅક્યુએશન માટે એક્સપ્રેસવે નજીકના વિવિધ પૉઇન્ટ્સ પર હેલિપૅડ ફરજિયાત હોવાં જોઈએ.’

mumbai news mumbai pune mumbai pune expressway mumbai traffic pune news