પુણેના વેપારીની કાર ફ્રીવે પર બળીને ખાખ

10 April, 2024 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘટનાસ્થળથી દસ મિનિટ જ દૂર ફાયરસ્ટેશન હોવા છતાં ફાયરબ્રિગેડને આવતાં અડધો કલાક લાગ્યો હતો

ફાયરબિગ્રેડ પહોંચે એ પહેલાં જ બળી ગયેલી કાર. તસવીર : યોગેશ ગણાત્રા

ગઈ કાલે પુણેનો મહારાષ્ટ્રિયન યુવાન વેપારી સાઉથ મુંબઈમાં તેના પરિવાર સાથે ગુઢી પાડવાનો તહેવાર ઊજવવા આવી રહ્યો હતો ત્યારે સવારે અંદાજે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ માઝગાવ ડૉકથી એકાદ કિલોમીટર દૂર ઈસ્ટર્ન ફ્રીવે પર તેની પાંચ વર્ષ જૂની વૉલ્વો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડ સમયસર ન પહોંચી શકતાં તેની નજર સામે જ કાર બળી ગઈ  હતી. આ બનાવને કારણે એક કલાક સુધી ફ્રીવે પર સાઉથ મુંબઈ તરફ જતો ટ્રાફિક બંધ રહ્યો હતો. આ વેપારીની સાથે અનેક લોકો તેમનું ગુઢી પાડવાનું મુરત સાચવી શક્યા નહોતા. 
આ બનાવની માહિતી આપતાં વેપારી કૈવલ્ય ખાનાપુરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી-પપ્પા અને મારો પરિવાર તેમ જ મારાં સાસરિયાં મુંબઈમાં રહે છે. ગઈ કાલે હું ગુઢી પાડવાનો તહેવાર હોવાથી તેમની સાથે એની ઉજવણી કરવા પુણેથી આવી રહ્યો હતો ત્યારે ફ્રીવે પર અચાનક મારી કારમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને એ અટકી પડી હતી. હું નીચે ઊતરીને કોઈ કાર-મેકૅનિકને ફોન કરું એ પહેલાં જ કારના બૉનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. હજી હું વધુ વિચારું એ પહેલાં કારમાં આગ લાગી ગઈ હતી. થોડી જ વારમાં પોલીસ અને ટ્રાફિક-પોલીસ પણ ત્યાં હાજર થઈ ગઈ હતી. તેમણે ફાયરબ્રિગેડનો સંપર્ક કર્યો હતો.’

ગઈ કાલે ફ્રીવે પર માઝગાવ એક્ઝિટ-પૉઇન્ટ પાસે પુણેના વેપારીની વૉલ્વો કારમાં ફાટી નીકળેલી આગ. 

આંખે દેખ્યો અહેવાલ
અમે દૂરથી જોયું કે એક કારમાંથી ધુમાડા નીકળી રહ્યા છે એટલે એ કારથી પચાસ ફુટ દૂર અમે બધી જ કારને રોકી દીધી હતી એમ જણાવતાં આખા બનાવને નજરે જોનારા મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ યોગેશ ગણાત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે હું ઘાટકોપરથી મસ્જિદ બંદર મારી ઑફિસ જવા ફ્રીવે પર નીકળ્યો ત્યારે માઝગાવ એક્ઝિટ-પૉઇન્ટ પાસે મારી કારથી ચારથી પાંચ કાર આગળ લગભગ ૧૦.૩૦ વાગ્યે એક વૉલ્વો કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં એક જ વ્યક્તિ હતી જે તરત બહાર નીકળી આવી હતી. ઘટનાસ્થળથી દસ મિનિટ જ દૂર ફાયરસ્ટેશન હોવા છતાં ફાયરબ્રિગેડને આવતાં અડધો કલાક લાગ્યો હતો. એ દરમિયાન કૈવલ્યની આખી કાર બળી ગઈ હતી. એને કારણે મુંબઈ તરફ જતો ફ્રીવેનો ટ્રાફિક એક કલાક સુધી બંધ રહ્યો હતો. મારી જેમ અનેક લોકો ગુઢી પડવાનો તહેવાર હોવા છતાં રસ્તામાં અટકી પડ્યા હતા.’

mumbai news pune news fire incident