૧૩ હરણનાં જ્યાં મોત થયાં ત્યાં અન્ડરપાસ બનાવવાનું પ્રપોઝલ

30 January, 2023 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની હાઇવે ઑથોરિટીને વિનંતી : સોલાપુર-વીજાપુર બાયપાસ રોડ પર શનિવારે સાંજે હરણોનું ટોળું ૩૫ ફીટ ઉપરથી નીચે પટાકાયું હતું

૧૩ હરણનાં જ્યાં મોત થયાં ત્યાં અન્ડરપાસ બનાવવાનું પ્રપોઝલ

મુંબઈ : સોલાપુર-વીજાપુર બાયપાસ રોડ પર કેગાવ પાસે આવેલી દેશમુખ વસ્તી પાસે હરણનું એક ટોળું બાયપાસ રોડ પાસ કરવા જતાં ૩૫ ફીટ ઉપરથી નીચે પટકાતાં ૧૩ હરણ મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે બે હરણ ગંભીર હાલતમાં હતાં. એમને સારવાર અપાઈ રહી હતી. આ ઘટના શનિવારે સાંજે બની હતી. હવે જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં બે અંડરપાસ બનાવવાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાને કહેવાની છે.

આ ઘટના વિશે માહિતી આપતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ બાયપાસ રોડ પહાડને કોરીને બનાવવામાં આવ્યો છે. અહીંના જંગલમાં હરણોની અને વન્ય પ્રાણીઓની વસ્તી મોટા પ્રમાણમાં છે. હરણોનું ટોળું પહાડ પરથી પસાર થઈ રહ્યું હતું એ વખતે એમને ખ્યાલ ન આવ્યો કે પહાડ ખોદીને રસ્તો બનાવાયો છે. એથી એક પછી એક ૧૫ જેટલાં હરણ ૩૫ ફીટ નીચે પટકાયાં હતાં અને ગંભીર ઈજા થતાં એમાંનાં ૧૨ હરણે ત્યાં જ દમ તોડી નાખ્યો હતો, જ્યારે ૩ ઘાયલ હરણોને વન વિભાગની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં જેમાંના એક હરણનું પણ મોત થયું હતું. આ વિસ્તારમાં હરણોની વસ્તી બહુ હોવા છતાં હરણો અને અન્ય વન્ય પ્રાણીઓ એ રસ્તો સુરક્ષિતપણે ક્રૉસ કરી શકે એવી કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી. વન વિભાગે આ બાબતે રજૂઆત કરી હતી.’ 

mumbai mumbai news