રાજ કુન્દ્રા પૉર્ન ફિલ્મ્સના મામલામાં કાનપુરના કપલનું બૅન્ક-અકાઉન્ટ સીઝ

26 July, 2021 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિલ્પા શેટ્ટીના પતિની નજીકના ગણાતા અરવિંદકુમાર શ્રીવાસ્તવ અને તેની પત્ની હર્ષિતાના ખાતામાં ૧.૮૧ કરોડનાં ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાનું જણાતાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી

ભાયખલામાં ક્રાઇમ બ્રાંચ પ્રોપર્ટી સેલ ઞફિસથી કોર્ટમાં લઈ જવાતા રાજ કુંદ્રા. તસવીર સુરેશ કારકેરા

હૉટશૉટ્સ નામની ઍપ દ્વારા પૉર્ન વિડિયોનું સ્ટ્રીમિંગ કરવાના આરોપમાં ફસાયેલા ફિલ્મ-અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમૅન પતિ રાજ કુન્દ્રાનું કાનપુરનાં પતિ-પત્ની સાથેનું કનેક્શન તપાસમાં સામે આવતાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ કપલનું અકાઉન્ટ સીઝ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ કપલના બૅન્ક-ખાતામાં ૧.૮૧ કરોડ રૂપિયાની લેવડદેવડ કરાઈ હોવાની શંકા છે.

પૉર્ન ફિલ્મ બનાવવાના મામલામાં ધરપકડ કરવામાં આવેલા રાજ કુન્દ્રાની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને રાજ કુન્દ્રાના સહયોગીના રૂપમાં કાનપુરના અરવિંદકુમાર શ્રીવાસ્તવની માહિતી હાથ લાગી છે. તે પોતાને બદલે પત્ની હર્ષિતા અને પિતા નર્બદા શ્રીવાસ્તવના બૅન્ક-અકાઉન્ટમાં રૂપિયા મગાવતો હોવાનું જણાઈ આવ્યું છે. અરવિંદ શ્રીવાસ્તવ સિંગાપુરમાં એક રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ કંપનીમાં કામ કરે છે. મુંબઈ પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે.

તપાસમાં અરવિંદ શ્રીવાસ્તવનું નામ સામે આવ્યા બાદ તેની સાથે જોડાયેલા લોકોનાં બૅન્ક-ખાતાં પોલીસે સીઝ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. સીઝ કરાયેલા બૅન્ક-અકાઉન્ટમાં તેના પિતા નર્બદા શ્રીવાસ્તવ અને પત્ની હર્ષિતાનો સમાવેશ થાય છે. બન્નેનાં અકાઉન્ટ કાનપુરની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને પંજાબ નૅશનલ બૅન્કમાં છે.

ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા મુજબ અરવિંદના પિતા નર્બદા શ્રીવાસ્તવે પોલીસની પૂછપરછમાં કહ્યું હતું કે અરવિંદ બી-ટેક કરીને ૨૦૧૩થી સિંગાપુરમાં રહેવા જતો રહ્યો છે. અહીં તે એચપી કંપનીમાં કામ કરે છે. પૉર્ન ફિલ્મ સાથે તેનો કોઈ સંબંધ નથી. પુત્ર સાથે ફોન પર આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે તેને કંપની જે કામ આપે છે એ તે કરે છે.

ગહના વશિષ્ઠ પોલીસ સમક્ષ હાજર ન થઈ

આ મામલામાં મુંબઈ પોલીસે અભિનેત્રી ગહના વશિષ્ઠ અને બે યુવતીઓને પૂછપરછ માટે હાજર થવાના સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ ગઈ કાલે હાજર નહોતી થઈ. તાજેતરમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરાયા બાદ રાજ કુન્દ્રાની ઍપ માટે પ્રોડ્યુસ કરાયેલી ત્રણ ફિલ્મોમાં કામ કરનારી ગહના વશિષ્ઠ તથા અન્ય બે યુવતીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. ગઈ કાલે મોડી સાંજે ગહનાએ નિવેદન આપ્યું હતું કે તે મુંબઈની બહાર હોવાથી પહોંચી નહીં શકે એટલે હાજર નથી થઈ શકી. જોકે પોતે આ કેસમાં પોલીસને તમામ સહયોગ કરશે એવું તેણે કહ્યું હતું.

Crime News mumbai crime news raj kundra shilpa shetty