15 July, 2026 06:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
NCPના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલ
સુનેત્રા પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં અધ્યક્ષ તરીકેની ચૂંટણીને પડકાર ફેંકાયા બાદ NCPના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે મંગળવારે સ્પષ્ટતા આપી હતી કે પાર્ટીમાં કોઈ તિરાડ નથી અને પક્ષના રાષ્ટ્રીય સચિવ સચ્ચિદાનંદ સિંહ દ્વારા લખાયેલા પત્રનું કોઈ મહત્ત્વ નથી. આ વાતને NCPના નેતા સુનીલ તટકરેએ પણ સમર્થન આપ્યું હતું.
સચ્ચિદાનંદ સિંહે ખળભળાટ મચાવતાં દાવો કર્યો હતો કે આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી ગેરબંધારણીય હતી અને અે રદબાતલ જાહેર કરવા પાત્ર હતી. ૯ જુલાઈઅે સચ્ચિદાનંદ સિંહ વતી દિલ્હીસ્થિત એક કાયદાકીય પેઢી દ્વારા કાનૂની નોટિસ આપવામાં આવી હતી.
નોટિસ પર પ્રતિક્રિયા આપતાં પ્રફુલ પટેલે કહ્યું હતું કે ‘પક્ષમાં કોઈ તિરાડ નથી. પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સુનેત્રા પવાર સાથે મુલાકાત કરે છે. સચ્ચિદાનંદ સિંહ દ્વારા લખાયેલા પત્રનું કોઈ મહત્ત્વ નથી. કોઈ પણ મુદ્દાનો ઉકેલ પક્ષના હિતમાં સૌહાર્દપૂર્ણ રીતે આવવો જોઈએ.’
મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન અને NCP પ્રમુખ સુનેત્રા પવાર, પ્રફુલ પટેલ અને પાર્ટીના મહાસચિવ બ્રિજમોહન શ્રીવાસ્તવને સંબોધિત નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે NCP બંધારણની ફરજિયાત જોગવાઈઓનું પાલન કર્યા વિના અને પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને યોગ્ય સૂચના આપ્યા વિના ચૂંટણી-પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
નોટિસમાં શું હતું?
નોટિસ અનુસાર ૨૮ જાન્યુઆરીએ તત્કાલીન NCP પ્રમુખ અજિત પવારના અવસાન પછી પાર્ટીએ ચૂંટણીપંચને જાણ કરી હતી કે પ્રફુલ પટેલ નવા વડાની પસંદગી થાય ત્યાં સુધી કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.
અેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે શ્રીવાસ્તવે ત્યાર બાદ રાષ્ટ્રીય સંમેલન બોલાવ્યું હતું અને બંધારણીય અધિકાર ન હોવા છતાં ચૂંટણી-પ્રક્રિયાને ગતિમાં મૂકી હતી. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘પક્ષના બંધારણ હેઠળ જરૂરી કોઈ યોગ્ય રીતે રચાયેલ કેન્દ્રીય ચૂંટણી અધિકારી, રિટર્નિંગ અધિકારી અથવા ચૂંટણી કૅલેન્ડર મૂકવામાં આવ્યું નહોતું. પ્રતિનિધિઓને ઉમેદવારોને નૉમિનેટ કરવાની, ચૂંટણી લડવાની અથવા વોટ કરવાની તક નકારી કાઢવામાં આવી હતી.’