21 December, 2020 11:08 AM IST | Mumbai | Mumbai correspondent
બોરીવલીમાં નાટક જોવા લાઇનમાં ઊભેલા દર્શકો.
કોરોનાના સમયમાં મિશન બિગીન અગેઇન અંતર્ગત ગઈ કાલે ૧૦ મહિના બાદ બોરીવલીના પ્રબોધનકાર કેશવ સીતારામ ઠાકરે નાટ્યમંદિરમાં પહેલી વાર મરાઠી નાટક ‘ઇશારો ઇશારોમેં’નો પ્રયોગ થયો હતો. આ નાટક ગુજરાતી નાટકનું એડપ્શન છે અને તેના ડિરેક્ટર જય કાપડિયા આપણા ગુજરાતી જ છે. સુધરાઈના આ નાટ્યગૃહને ફૂલોથી અને કમાનોથી સજાવવામાં આવ્યું હતું. પ્રેક્ષકો પણ માસ્ક પહેરી નાટક જોવા આવી ગયા હતા. કાઉન્ટર પરથી ટિકિટનું વેચાણ કરનાર વિજય ચવાણે કહ્યું હતું કે હાલ સરકારી ગાઇડલાઇન્સ મુજબ એક સીટ છોડીને એક સીટ પર બેસવાની પરવાનગી છે. એથી ૫૦ ટકાની કેપિસિટી જ વાપરી શકાશે. એમ છતાં એમાં પણ ૭૦ ટકા સીટો ભરાઈ ગઈ છે જે બહું જ સારું ઓપનિંગ કહેવાય.
પ્રબોધનકાર ઠાકરે નાટ્યગૃહમાં ગઈ કાલે રાજ્ય સરકારે બહાર પાડેલી એસઓપીનું યોગ્ય રીતે પાલન થતું જોવા મળ્યું હતું. માસ્ક વગર કોઈને પણ એન્ટ્રી અપાતી નહોતી. જો કોઈ માસ્ક વગરનું દેખાય તો તેને બહુ નમ્રતાથી માસ્ક પહેરીને આવવાનું કહેવાતું હતું. દરેક પ્રેક્ષકોને સૅનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરી એન્ટ્રી અપાતી હતી, એ ઉપરાંત દરેકનું ટેમ્પરેચર જાણવા ખાસ મશીન મૂકવામાં આવ્યું હતું. આખો સંકુલ એ પહેલાં સૅનિટાઇઝ પણ કરાયો હતો.
જ્યારે દહિસરમાં રહેતા શિરિષ પારેખે કહ્યું હતું કે મારી પત્ની મરાઠી છે. અમે ગુજરાતી નાટકો પણ જોઈએ છીએ અને મરાઠી નાટકો પણ જોઈએ છીએ. વી આર વેઇટિંગ કે ક્યારથી ફરી નાટ્યગૃહો ખૂલે, વી આર વેરી હેપી. આજે પહેલા જ દિવસે હું મારા મિત્ર ગોટ્યા સાવંત જે નાટકોના જ નિર્મિતિ સૂત્રધાર છે તેમની સાથે નાટક જોવા આવી પહોંચ્યો છું.