મુંબ્રા સ્ટેશન પર ફરી પ્રૉબ્લેમ

17 June, 2025 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગટરના પાણીના ગળતરને કારણે પ્લૅટફૉર્મ નંબર ચારનો અમુક ભાગ ધસી પડ્યો છે

મુંબ્રા સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૪ પરનો અમુક ભાગ ધસી પડ્યો

મુંબ્રા સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૪ પરનો અમુક ભાગ ધસી પડ્યો છે. નજીકમાં આવેલી ગટરમાંથી પાણીનું ગળતર થતાં પ્લૅટફૉર્મનો અમુક ભાગ બેસી પડ્યો છે. આ પ્લૅટફૉર્મ એ જ છે જ્યાં થોડા દિવસ અગાઉ લોકલ ટ્રેનમાંથી મુસાફરો પડી જવાની ઘટના બની હતી.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લૅટફૉર્મ ધસી પડવાનો બનાવ તાજેતરનો નથી, ગયા અઠવાડિયે જ બન્યો હતો, પણ એનું સમારકામ કરાવવાનું બાકી છે.

પાણીનું ગળતર થવાથી પ્લૅટફૉર્મની દીવાલનો થોડોક ભાગ તૂટી ગયો હતો જેને કારણે પ્લૅટફૉર્મનો અમુક ભાગ બેસી ગયો હતો. બનાવની જાણ થતાં જ આ ભાગનું બૅરિકેડિંગ કરવામાં આવ્યું છે તેમ જ પરિસ્થિતિ પર નજર રાખવા માટે પૉઇન્ટ્સમેનને આ જગ્યા પર ઊભા રાખવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મોટી ગટરના આઉટલેટ નજીક આ ગળતર થયું હોવાથી પ્લૅટફૉર્મને અસર થઈ છે.

ઉલ્લેખનીય છે કે મુંબ્રા સ્ટેશનને હાલમાં વડા પ્રધાનની અમૃત ભારત યોજના હેઠળ વિકસાવવામાં આવી રહ્યું છે. આ યોજનામાં ભારતીય રેલવેનાં અમુક સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આ યોજના હેઠળ કુલ ૧૩૨ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે.

mumbra mumbai rains mumbai railways mumbai railway vikas corporation indian railways central railway news mumbai mumbai news mumbai local train