નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન મીરા રોડમાં

21 November, 2014 03:40 AM IST  | 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન મીરા રોડમાં




પ્રીતિ ખુમાણ ઠાકુર

કાશીમીરામાં ઠેકઠેકાણે પોલીસ-બંદોબસ્ત, મુંબઈ-અમદાવાદ હાઇવે ક્રમાંક આઠ પર પોલીસની નાકાબંધી અને મીરા રોડના પ્લેઝન્ટ પાર્કમાં ગુજરાત પોલીસ... આ બધાં દૃશ્યો જોઈને થોડું અટપટું લાગી રહ્યું હતું. મીરા-ભાઈંદરમાં રહેતા દરેક નાગરિકના મનમાં પણ આ જ સવાલ હતો કે પોલીસની આટલી સિક્યૉરિટી કેમ અચાનક જ વધી ગઈ છે. એથી ‘મિડ-ડે’એ પહેલાં તો મીરા રોડમાં ગુજરાત પોલીસ કેમ આવી એ સવાલનો જવાબ જાણવાના પ્રયત્નો કર્યા ત્યારે ‘મિડ-ડે’ની તપાસમાં એ આગળ આવ્યું કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન મીરા રોડમાં તેમના રિલેટિવ્સને ત્યાં આવેલાં છે.

આ વિશે જણાવતાં મીરા રોડમાં પ્લેઝન્ટ પાર્કમાં રહેતા નિકુલ પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જશોદાબહેન મારાં ફઈ છે અને તેઓ પહેલી વખત અહીં આવ્યાં છે. થોડાં કંટાળી ગયાં હોવાથી ફ્રેશ થવા અને તેમના રિલેટિવ્સને મળવા તેઓ અહીં આવ્યાં છે. ભલે પતિ પ્રાઇમ મિનિસ્ટર હોય એમ છતાં તેઓ ખૂબ જ સાદગીથી રહે છે. તેઓ તેમના ભાઈ સાથે રવિવારે મારા ઘરે આવ્યાં હતાં અને ત્યાર બાદ અમે બધાં મળીને પુણે ફરવા ગયાં હતાં તેમ જ અહીં પણ તેઓ અલ્પેશ પટેલ અને મનીષ મહેતા વગેરે તેમનાં રિલેટિવ્સનાં ઘરે ગયાં હતાં. તેઓ આજે બપોરે સાયનમાં તેમનાં રિલેટિવ્સના ઘરે જવાનાં છે.’

મોદી માટે વિશેષ પ્રાર્થના

દરરોજની જેમ તેઓ અહીં પણ સવારે ૬ વાગ્યાની આસપાસ ઊઠી જાય છે ને પછી પૂજા કરે છે. તેમની દરેક પૂજામાં તેઓ પોતાના પતિ નરેન્દ્ર મોદીને ભગવાન હજી આગળ વધારે અને તેઓ સારાં કાર્ય કરે એવી વિશેષ પ્રાર્થના પણ કરે છે. તેઓ ત્યાંની જેમ અહીં પણ મંદિરમાં જાય છે. તેઓ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે ઉપવાસ કરે છે અને રાઇસ જરાપણ ખાતાં નથી. ધીરે-ધીરે લોકોને ખબર પડતાં તેમને ખાસ કરીને મહિલાઓ મળવા આવી રહી છે.

કોઈ સુવિધાઓ નહીં

જશોદાબહેનના ભાઈ અશોકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯૬૮ની ૧૦ મેએ નરેન્દ્ર મોદી અને મારી બહેનનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. તેઓ મોદીભાઈ સાથે તો વધુ રહ્યાં નથી, પણ તેમના સસરા ને પરિવાર સાથે બેથી ત્રણ વર્ષ રહ્યાં છે. ત્યાર બાદ મારા પિતાએ તેમને આગળ ભણાવ્યાં હતાં અને ટીચરની નોકરી અપાવી હતી તેમ જ અમે ક્યારેય કોઈને કહ્યું નથી કે મોદીજી તેમના પતિ છે. આ તો લોકસભાના ઇલેક્શનમાં તેમણે મૅરિડ હોવાનું ફૉર્મમાં લખ્યું હતું એથી જશોદાબહેન તેમનાં પત્ની છે એ બહાર આવ્યું હતું. જોકે છેલ્લા લાંબા સમયથી મોદીજી ને તેમની મુલાકાત જ નથી થઈ તેમ જ એક પ્રાઇમ મિનિસ્ટરનાં પત્ની હોવાથી તેમને કેવી સુવિધાઓ મળવી જોઈએ એ તો બધાને ખબર છે. એમ છતાં તેમને કમાન્ડોની સિક્યૉરિટી સિવાય વિશેષ કોઈ સુવિધા આપવામાં નથી આવી એનું અમને દુખ છે.’

પોલીસ શું કહે છે?

આ વિશે કાશીમીરા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લ્ભ્નો ઑર્ડર મળતાં અમે તેમને સિક્યૉરિટી આપી છે તેમ જ વિવિધ જગ્યાઓએ નાકાબંધી પણ કરી છે. તેઓ મીરા રોડ આવ્યાં છે એ વિશે કોઈને વધુ જાણ થવા દેતા નથી.’

કૉન્ગ્રેસ તરફથી આમંત્રણ, BJP તરફથી નહીં

મીરા રોડમાં જશોદાબહેન આવ્યાં છે એ વાતની જાણ સામાન્ય નાગરિકોને તો થવા નથી દીધી. જોકે તેઓ આવ્યાં છે એ વિશે મીરા-ભાઈંદર BJPને જાણ કરવામાં આવી હતી એમ છતાં અત્યાર સુધી તેમને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જોકે કૉન્ગ્રેસને આ વાતની જાણ થતાં જશોદાબહેનને કૉન્ગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેમ જ BJPના અમુક નગરસેવકો અને પદાધિકારીઓને તો તેઓ આવ્યાં છે એની પણ જાણ નથી.

પોલીસ-બંદોબસ્ત

જશોદાબહેનની સિક્યૉરિટી માટે ગુજરાતના પાંચ પોલીસ તેમની સાથે આવ્યા છે. આ ઉપરાંત તેઓ જ્યાં રોકાયાં છે ત્યાં બિલ્ડિંગની નીચે કાશીમીરા પોલીસ-સ્ટેશનના એક ઑફિસર અને ચાર પોલીસ-કૉન્સ્ટેબલ ડ્યુટી પર છે તેમ જ ક્યાંય પણ ફરવા જાય ત્યાં એસ્ર્કોટ વૅન તેમની પાછળ હોય છે તેમ જ મુંબઈ-અમદાવાદ હાઇવે-ક્રમાંક આઠ અને પ્લેઝન્ટ પાર્કમાં ઠેકઠેકાણે નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.