✕

શિવમંદિરમાં બાળકીની છેડતી

15 October, 2026 07:49 PM IST  |  Pune | Geeta Manek

પુણેના નિગડીની ઘટના, CCTV કૅમેરાનું ફુટેજ વાઇરલ થયું, મેટ્રોના મજૂરની ધરપકડ, લોકોમાં ભારે રોષ

નિગડીના શિવમંદિરમાં બાળકીની છેડતી કરવાની ઘટના, છેડતી કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડમાં નિગડી વિસ્તારમાં એક શિવમંદિરમાં નવરાત્રિ દરમ્યાન ૧૧ વર્ષની બાળકીનીની છેડતી કરવાની શરમજનક ઘટના સામે આવી છે. શનિવારે સવારે મંદિરના ગર્ભગૃહમાં એકલી પૂજા કરી રહેલી બાળકીને એકાંતમાં જોઈને નજીકની મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા વિશાલ સિંહ નામના મજૂરે તેનો હાથ પકડીને અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીએ ગભરાયા વગર હિંમત બતાવીને મજૂર સાથે સંઘર્ષ કર્યો હતો અને તેને ધક્કો મારીને પોતાનો બચાવ કર્યો હતો, જેનાથી ડરીને આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના મંદિરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડિયોમાં આરોપી ઑરેન્જ જૅકેટ પહેરેલો સ્પષ્ટ દેખાયો હતો. બાળકીની છેડતી કરતાં પહેલાં તે મંદિરમાં દર્શન કરતો પણ નજરે પડે છે. સોશ્યલ મીડિયા પર CCTV કૅમેરાનું આ ફુટેજ વાઇરલ થતાં જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિગડી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ CCTV કૅમેરાના ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી. 

pimpri pune pune news Protection of Children from Sexual Offences Act POCSO sexual crime Crime News