16 August, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રસ્તે રખડતા શ્વાનને લાકડીથી માથા પર જોરદાર ફટકા મારતી એક વ્યક્તિનો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ વ્યક્તિ શ્વાનને મારી નાખવા માટે જોર-જોરથી મારી રહી હતી. આ વિડિયો જોતાં જ ૨૪ વર્ષની CAની વિદ્યાર્થિનીએ અબોલ જીવ માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું. પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)ની સાથે મળીને ૨૪ વર્ષની આરતી પટનાયકે શ્વાનને મારી નાખવાનો પ્રયત્ન કરનાર વિરુદ્ધ સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો છે.
આ બનાવ કુર્લા-અંધેરી રોડ પર જરીમરી વિસ્તારમાં મદીના મસ્જિદ નજીક સ્ટાર ગલીમાં ૩૧ જુલાઈએ રાતે ૯.૧૫ વાગ્યે બન્યો હતો. આ ઘટનાનો વિડિયો મળતાં જ પ્રાણીપ્રેમી ગ્રુપ સાથે સંકળાયેલી આરતીએ શ્વાનની ભાળ મેળવી હતી. ત્યાર બાદ કરોડરજ્જુમાં ભારે ઈજા થઈ હોવાથી શ્વાનને બાઈ સાકરબાઈ દિનશૉ પેટિટ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલાયો હતો. ૬ ઑગસ્ટે એની તબિયત સુધરતાં પાછો એને સ્ટાર ગલીમાં છોડવામાં આાવ્યો હતો. આરોપીની ઓળખ અબ્દુલ ગફાર તરીકે થઈ છે.
પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો PETAએ આ રીતે પશુઓ પર અત્યાચાર કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવાનું જણાવ્યું હતું.
રખડતા શ્વાનોના સમર્થનમાં રૅલી
દિલ્હી-NCRના રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરવા ગઈ કાલે બાંદરા-વેસ્ટના કાર્ટર રોડ પર રૅલી યોજાઈ હતી. તસવીર : આશિષ રાજે