મુંબઈ ઍરપોર્ટ પર ધમાલ: ઍરલાઇને પ્રવાસીઓને એરોબ્રિજમાં પૂરી દીધા!

14 January, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઍરપોર્ટ પર ગઈ કાલે ઇન્ડિગોની ભુવનેશ્વર જતી ફ્લાઇટના પ્રવાસીઓને એરોબ્રિજમાં કલાકો સુધી પુરાઈ રહેવાની પડી ફરજ

મુંબઈ એરપોર્ટ

મુંબઈ : મુંબઈ ઍરપોર્ટ પર ગઈ કાલે ઇન્ડિગોની ભુવનેશ્વર જતી ફ્લાઇટના પ્રવાસીઓને એરોબ્રિજમાં કલાકો સુધી પુરાઈ રહેવાનો ભયંકર અનુભવ થયો હતો. આ એરોબ્રિજમાં હવાનું સર્ક્યુલેશન પણ નહોતું અને એને કારણે અનેક પ્રવાસીઓને તકલીફ થઈ હતી. એ પછી પ્રવાસીઓ અને ઍરલાઇનના સ્ટાફ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ પ્રવાસીઓમાં એક બૉલીવુડની ઍક્ટ્રેસ રાધિકા આપ્ટે પણ હતી, જેણે આનો વિડિયો શૅર કર્યો હતો.

ફિલ્મ ઍક્ટ્રેસ રાધિકા આપ્ટેએ કહ્યું કે ઍરલાઇને પ્રવાસીઓને એરોબ્રિજમાં બંધ કરી દીધા હતા. આ ચોંકાવનારો વિડિયો ઘણો વાઇરલ થયો છે. મુંબઈ વિમાનમથકે એરોબ્રિજમાં પુરાઈ રહ્યા હોવાનો વિડિયો રાધિકાએ શનિવારે શૅર કર્યો હતો. નિર્ધારિત સમયે ફ્લાઇટ ઊપડી નહોતી અને તેની સાથે બીજા ઘણા પ્રવાસીઓ વિડિયોમાં જોવા મળ્યા હતા. રાધિકાએ સોશ્યલ હૅન્ડલ પર વિઝ્‍યુઅલ્સ અને ફોટો શૅર કર્યાં હતાં.

રાધિકાએ જણાવ્યું કે ફ્લાઇટ સવારે ૮.૩૦ની હતી, પરંતુ ૧૦.૫૦ વાગ્યા છતાં ફ્લાઇટનું ઠેકાણું નહોતું. રાધિકાએ શૅર કરેલા ફોટો અને વિડિયોમાં તે મિત્રો સાથે જોવા મળે છે. ઘણા ચાહકોએ આ બનાવ પરત્વે પ્રતિક્રિયા આપી હતી અને આ જ પ્રકારના બનાવનો ઉલ્લેખ કર્યો હતો. ઍરલાઇને જણાવ્યું હતું કે ફ્લાઇટ ઊપડવાની છે, પરંતુ તમામ પ્રવાસીઓને એરોબ્રિજમાં ધકેલીને બહારથી દરવાજો લૉક કરી દીધો હતો.

mumbai airport indigo mumbai news mumbai airport