21 December, 2020 08:05 AM IST | Mumbai | Rohit Parikh
માઝગાવના ૯૫ વર્ષ જૂના મેઘજી બિલ્ડિંગના એ-બ્લૉકનો ધરાશાયી થયેલો હિસ્સો.
માઝગાવના હૅન્કકૉક બ્રિજની બાજુમાં આવેલા ૯૫ વર્ષ જૂના મેઘજી બિલ્ડિંગના ‘એ’ બ્લૉકનો થોડો ભાગ ગઈ કાલે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે તૂટી પડતાં એ બ્લૉકના ૩૮ પરિવારો રોડ પર આવી ગયા છે. જોકે આ દુર્ઘટનાથી મેઘજી બિલ્ડિંગના ‘એ’, ‘બી’ અને ‘સી’ બ્લૉકમાં રહેતા ૧૧૦ પરિવારો,
દુકાનદારો અને ગોડાઉનના માલિકોમાં જબરદસ્ત ફફડાટ ફેલાઈ ગયો છે. આ દુર્ઘટના પછી આ બધા પરિવારો અને દુકાનદારો આ મકાન વહેલી તકે રીડેવલપ થાય એ માટે સક્રિય બન્યા છે.
મેઘજી બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હોવાથી ૨૦૧૩થી રીડેવલપમેન્ટની ચર્ચા ચાલી રહી છે. જેમાં મ્હાડા તરફથી પણ રહેવાસીઓને પરવાનગી મળી ગઈ હતી, પરંતુ અમુક રહેવાસીઓના આંતરિક વિખવાદને કારણે આ મકાન આજ સુધી રીડેવલપ થઈ શક્યું નથી. આ બિલ્ડિંગના ‘એ’ અને ‘બી’ બ્લૉકની જર્જરિત હાલતને કારણે આ બન્ને બ્લૉકને મ્હાડા તરફથી રિપેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમાંથી ‘બી’ બ્લૉકમાં અત્યારે મ્હાડાએ ટેકા મૂક્યા છે અને ‘એ’ બ્લૉકનું દોઢ મહિના પહેલાં રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ બાબતે માહિતી આપતાં ‘એ’ બ્લૉકમાં રહેતા ૬૩ વર્ષના જગદીશ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા મકાનની જર્જરિત હાલતને કારણે મકાનમાં રહેતા ૩૮માંથી અંદાજે ૨૦ પરિવાર બીજે સ્થળાંતર કરીને જતા રહ્યા છે. મ્હાડાએ રિપેરિંગ શરૂ કર્યા બાદ બે દિવસ પહેલાં અમારા મકાનમાં રિપેરિંગ કરતાં-કરતાં પાણીની એક પાઇપલાઇન ફાટી ગઈ હતી. મ્હાડાના કૉન્ટ્રૅક્ટરે તરત જ એને રિપેર કરી હતી, પરંતુ એ દિવસથી બિલ્ડિંગ તૂટું-તૂટું થઈ રહ્યું હતું. ગઈ કાલે રાતે ૩ વાગ્યે અમને અમારું મકાન ધરાશાયી થઈ જશે એવી શંકા જાગી હતી એથી બૂમાબૂમ કરીને જે ભાડૂતો અત્યારે આ મકાનમાં રહેતા હતા તેઓ તેમનાં ઘર બંધ કરીને પહેરેલે કપડે જ સામાન પડતો મૂકીને નીચે ઊતરી ગયા હતા. થોડી જ વારમાં ધડાકા સાથે મકાનની એ જ જગ્યાએથી પાણીની પાઇપલાઇન તૂટી હતી. બીજા માળનો ભાગ પહેલા માળ સાથે નીચે ધરાશાયી થયો હતો. જોકે અમે ૧૮ પરિવાર પહેલાં જ સાવધાની રાખીને નીચે ઊતરી ગયા હોવાથી કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.’
‘એ’ બ્લૉકનો રોડ તરફનો એક ભાગ તૂટી પડવાથી ‘બી’ અને ‘સી’ બ્લૉકમાં પણ ભાગદોડ મચી ગઈ હતી એમ જણાવતાં ‘બી’ બ્લૉકના કિશોર મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ-બ્લૉકનો ભાગ પડી જવાથી અમે બધા નીચે રોડ પર આવી ગયા હતા. જોકે થોડી વાર પછી અમે બધા પાછા અમારા ઘરમાં જતા રહ્યા હતા. ફક્ત ‘એ’ બ્લૉકના રહેવાસીઓ જ રોડ પર ઊભા હતા. અમે અત્યારે ઘરમાં રહીએ છીએ, પણ અમને પણ સતત અમારું મકાન ધરાશાયી થઈ જશે એવો ભય લાગી રહ્યો છે. અમારા મકાનમાં જે ટેકા મૂકવામાં આવ્યા છે એ ભાગ ધ્રૂજવા લાગ્યો છે, પણ અત્યારે અમારી પાસે પુનર્વસનની વ્યવસ્થા ન હોવાથી અમે અમારા મકાનમાં જ રહીએ છીએ. અમે હવે અમારા અન્ય ભાડૂતોને સમજાવીને વહેલામાં વહેલી તકે રીડેવલપમેન્ટ થાય એ માટે સક્રિય બન્યા છીએ.’
પહેલાં ગઈ કાલે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે અમારા મકાનનો અમુક ભાગ પડી ગયો હતો અને એ જ જગ્યાએ ફરીથી સવારે ૧૦.૩૦ વાગ્યે બીજો ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો એવું કહેતાં જગદીશ વોરાએ કહ્યું હતું કે ‘ત્યાર પછી એ જગ્યાએથી હજી ખરવાનું ચાલુ જ છે. અમે બધા પરિવારો આસપાસ રહેતાં અમારાં સગાંસંબંધીઓને ત્યાં રહેવા જતા રહ્યા છીએ. મ્હાડા તરફથી અમને ગોરાઈમાં જગ્યા આપવાની વાત ચાલી રહી છે, પણ આખરી નિર્ણય તેઓ આજે લેશે.’
મેઘજી બિલ્ડિંગમાં ૧૧૦ પરિવારમાંથી ૫૫ પરિવાર કાઠિયાવાડ મેઘવાળ સમાજના છે. બાકીના કૉસ્મોપૉલિટન લોકો રહે છે એવું કહેતાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારા મકાનની હાલત જર્જરિત થવાથી ૨૦૧૩થી અમે રીડેવલપમેન્ટની મીટિંગો કરીએ છીએ, પણ અમુક રહેવાસીઓ આ મુદ્દે વિખવાદ ઊભો કરી રહ્યા છે એને કારણે અમે અત્યારે પણ જોખમી ઇમારતમાં મજબૂરીથી રહીએ છીએ. એમાં પણ અમારા મકાનનો અમુક ભાગ હૅન્કકૉક બ્રિજના નવનિર્માણમાં કટિંગમાં આવી રહ્યો છે એટલે હજી અમારા માથે લટકતી તલવાર જ છે. જોકે ગઈ કાલથી ફરીથી અમે બધા એકજૂટ થઈને રીડેવલપમેન્ટ માટે ગંભીર બની ગયા છીએ.’
અમને પણ સતત અમારું મકાન ધરાશાયી થઈ જશે એવો ભય લાગી રહ્યો છે. અમારા મકાનમાં જે ટેકા મૂકવામાં આવ્યા છે એ ભાગ ધ્રૂજવા લાગ્યો છે, પણ અત્યારે અમારી પાસે પુનર્વસનની વ્યવસ્થા ન હોવાથી અમે અમારા મકાનમાં જ રહીએ છીએ.
- કિશોર મકવાણા, મેઘજી બિલ્ડિંગના ‘બી’ બ્લૉકના રહેવાસી