... અને જોત જોતામાં તણાઈ ચાર ગાય, જુઓ વીડિયો

04 August, 2019 04:11 PM IST  |  મુંબઈ

... અને જોત જોતામાં તણાઈ ચાર ગાય, જુઓ વીડિયો

સૂર્યા નદીમાં તણાઈ ગઈ ગાય

મુંબઈમાં વરસાદે કોહરામ મચાવ્યો છે. છેલ્લા બે દિવસથી મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. આમ તો છેલ્લા એક સપ્તાહથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. જો કે બે દિવસથી વરસાદ અવિરત ચાલુ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે મેઘરાજા વરસી રહ્યા છે. સતત ભારે વરસાદને કારણે મુંબઈનગરી પાણીમય થઈ ગઈ છે. જાણે સમુદ્રના પાણી શહેરમાં ઘૂસી આવ્યા હોય તેવો હાલ સર્જાયો છે. શહેરના કોઈ પણ વિસ્તારો એવા નથી જ્યાં પાણી ન ભરાયા હોય.

વીક એન્ડ હોવાને કારણે ઓછા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જો કે તેમ છતાંય લોકોને સમસ્યાનો સામનો તો કરવો જ પડી રહ્યો છે. કયાંક ટ્રેનો બંધ છે, તો ક્યાંક લોકો ઓફિસમાં જ ફસાયેલા છે. માનવીઓની સાથે સાથે પ્રાણીઓની હાલત પણ બદતર છે. તાજેતરમાં જ મુંબઈના પાલઘર વિસ્તારનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એ ગાયનો છે, જે પાણી વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ પાણી સામે ઝીંક ન ઝીલી શક્તા ગાય ડૂબી જાય છે.

આ વીડિયોમાં દેખાય છે કે નદીના પાણી પુલ પરથી વહી રહ્યા છે. નદીના પાણીનો ધસમસતો પ્રવાહ કોઈને પણ ડરાવી દે તેવો છે. સામાન્ય માણસ તેમાં પગ મૂકવાની હિંમત પણ ન કરે, જો કે આવા ઘૂઘવતા પાણી વચ્ચે ચારથી પાંચ ગાય પુલ પરથી પસાર થતી દેખાય છે. પાંચેય ગાય એકની પાછલ એક ધીમે ધીમે પુલ પર આગળ વધે છે. જો કે પુલ આગળ જતા પાણીમાં ડૂબેલો છે. સૌથી પહેલા છેક પાછળ રહેલી ગાય પાણીમાં તણાય છે. અને ધીરે ધીરે એક બાદ એક બીજી બે ગાય તણાવા લાગે છે. છેલ્લે સૌથી પહેલી ગાય પણ તણાવા લાગે છે. આખરે બીજા નંબર પર ચાલતી ગાય જોખમ દેખાતા પાછી વળી જાય છે.

અહીં જુઓ વીડિયો

mumbai mumbai rains mumbai monsoon