18 May, 2025 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ લોકો ઑનલાઇન શૉપિંગ વધારે કરે છે. ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પરથી ઑર્ડર કરીને ઘેરબેઠાં મનગમતી ચીજો આવી જાય પછી લોકો બેધ્યાનપણે વસ્તુ જે બૉક્સમાં કે કવરમાં આવી હોય એને ફેંકી દે છે અને એના પરિણામે તેમની સાથે છેતરપિંડી થવાનું જોખમ રહે છે. આવી રીતે અનેક લોકો સાથે ફ્રૉડ થયાં હોવાથી બૉક્સ કે કવર ફેંકતાં પહેલાં કેટલીક સાવધાની રાખવી જરૂરી છે.
બૉક્સ કે કવર પર જે લેબલ લગાવેલું હોય છે એમાં એ મેળવનારનું નામ, ઈ-મેઇલ ઍડ્રેસ, સરનામું, મોબાઇલ-નંબર અને બીજી ઘણી વિગતો હોય છે. સ્કૅમર્સ માટે એ ડેટાનો ખજાનો છે. આ ડેટાનો ઉપયોગ સ્કૅમર્સ તમને જાળમાં ફસાવવા માટે કરે છે અને આમ પૈસા ગુમાવવાનો વારો આવે છે.
આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે?
૧. તમે ઑનલાઇન ખરીદી કરી.
૨. વસ્તુની તમને ડિલિવરી થઈ.
૩. તમે વસ્તુ રાખી અને બૉક્સ કે કવર ફેંકી દીધું.
૪. સ્કૅમર્સ બૉક્સ કે કવર મેળવે છે જેના પર તમારો ડેટા હોય છે.
૫. તેઓ આ વિગતનો ઉપયોગ કરીને તમને ફોન કરે છે અને પ્રોડક્ટનો પ્રતિભાવ માગે છે.
૬. સ્કૅમર્સ કહે છે કે તમારા આગામી ઑર્ડર પર વધારાનું ૧૦ ટકા કે એથી વધુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે ફીડબૅક આપવો પડશે.
૭. તમને એક લિન્ક મળે છે. તમે એના પર ક્લિક કરો છો અને અહીં તમે ફસાઈ જાઓ છો. આ લિન્કમાં છુપાયેલો માલવેર તમારા મોબાઇલમાં એન્ટ્રી કરે છે અને બૅન્કિંગ વિગતો સહિત તમારી માહિતી ચોરી લે છે. તમારું બૅન્ક-અકાઉન્ટ ખાલી થઈ જાય છે.
સુરક્ષિત રહેવા શું કરશો?
સૌપ્રથમ બૉક્સ કે કવરની ઉપર લખવામાં આવેલા તમારા ઍડ્રેસને કાઢી નાખો. જરૂર લાગે તો એના પર પર્મનન્ટ માર્કર ફેરવી દો જેથી વિગતો વાંચી ન શકાય. ક્યારેય ડિસ્કાઉન્ટ ઑફરનો શિકાર ન બનો અથવા તમે જેમને જાણતા નથી એવા લોકોએ શૅર કરેલી લિન્ક્સ પર ક્યારેય ક્લિક ન કરો.