લાઇટબિલના મુદ્દા પર રાજ ઠાકરેએ ઝાટકી કાઢ્યા શરદ પવારને

07 February, 2021 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાઇટબિલના મુદ્દા પર રાજ ઠાકરેએ ઝાટકી કાઢ્યા શરદ પવારને

આને યોગાનુયોગ કહેવાય?: ૨૦૧૪માં એમએનએસના કાર્યકરોએ કરેલી તોડફોડના કેસમાં કોર્ટમાં હાજરી આપવા ગઈ કાલે રાજ ઠાકરે જઈ રહ્યા હતા ત્યારે ત્યાં જ તેમને વેલકમ કરતાં બોર્ડ મારવામાં આવ્યાં હતાં.

કોરોનાના લૉકડાઉનમાં નોકરી-ધંધા ગુમાવીને આર્થિક તંગી ભોગવી રહેલી મહારાષ્ટ્રની જનતાને બહુ મોટાં વીજબિલ મળતાં લોકોમાં રોષ ફેલાયો હતો. રાજ્ય સરકારે પહેલાં એ વીજબિલમાં રાહત આપીશું એમ કહ્યું હતું, પણ પાછળથી તેઓ ફરી જતાં લોકોમાં ભારે ગુસ્સો અને છેતરાયાની લાગણી હતી. હવે રાજ્યની મહાવિકાસ આઘાડીની સરકારને આડે હાથ લેતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘સરકારના ઊર્જાપ્રધાને પહેલાં કહ્યું હતું કે અમે વિજબિલ માફ કરીશું, પણ ત્યાર બાદ અદાણી શરદ પવારને જઈને મળ્યા અને સરકાર ફરી ગઈ. સરકાર કહે છે કે અમે કોઈ પણ બિલ માફ નહીં કરીએ. સરકાર હવે વીજકંપનીઓને છાવરી રહી છે. વીજકંપનીઓને ફાયદો થયો નહીં એટલે જો સરકાર નાગરિકોને હેરાન કરવાની હોય તો એ કઈ રીતે ચાલે?’

જો લોકો આ બાબતે સરકાર સામે આંદોલન કરે છે તો સરકાર તેમની સામે ગુનો નોંધે છે એમ જણાવીને રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘લોકોને મસમોટું બિલ ભરવા કહેવાય છે. આ બધું કોના માટે? વીજબિલમાં રાહત આપવા વીજકંપનીઓ સાથે ચર્ચા કરવી જોઈએ, પણ હવે એ ચર્ચાનો દોર પણ અટકી ગયો છે. લેતી-દેતી વગર આ ચર્ચાનો દોર આમ થંભી ન જાય. સરકાર વીજકંપનીઓને છાવરી રહી છે.’

mumbai mumbai news raj thackeray sharad pawar