મીરા રોડમાં ગૌમાંસની ગાડીને રોકનારા ગૌસેવકો પર હુમલો કરવામાં આવ્યો

19 June, 2024 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે ચાર ટ્રક જપ્ત કરીને ત્રણ ડ્રાઇવરની ધરપકડ કરી

ધરપકડ કરવામાં આવેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

બકરી ઈદના બીજા દિવસે એટલે કે ગઈ કાલે સવારે મીરા રોડના નયાનગર વિસ્તારમાં શમ્સ મસ્જિદ પાસે ગૌમાંસ ભરેલી ટ્રક આવી હોવાની માહિતી મળ્યા બાદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે જણને ઈજા થઈ હતી. આ લોકોએ પોલીસને જાણ કરતાં નયાનગર પોલીસ-સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એણે ગૌમાંસ ભરેલી ચાર ટ્રક જપ્ત કરી હતી અને ત્રણ ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યા મુજબ ગૌરક્ષકો શમ્સ મસ્જિદ પાસેની કાસમ કુરેશીની 
માંસ-મટનની દુકાન પાસે પહોંચ્યા ત્યારે તેમને ભગાવવા માટે કેટલાક મુસ્લિમ યુવકો દોડી આવ્યા હતા અને તેમણે અશ્વિન પ્રજાપતિ, નરેશ નીલે, રણજિત ગિરિ, સૂરજ શાહુ અને અંકુશ ચૌરસિયાની મારપીટ કરી હતી. જોકે પોલીસની ટીમ આવી પહોંચતાં બધા પલાયન થઈ ગયા હતા.

મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-૧) પ્રકાશ ગાયકવાડે આ વિશે કહ્યું હતું કે ‘નયાનગરમાં ગૌમાંસ સાથે ચાર ટ્રક જપ્ત કરવામાં આવી છે અને ત્રણ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. ગૌમાંસ લાવવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ચારેક લોકોને મારપીટમાં ઈજા થઈ છે.

માંસ-મટનની જે દુકાનમાં ગૌમાંસ લાવવામાં આવ્યું હતું એના માલિક કાસમ કુરેશી સહિત અન્યો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai mira road Crime News