30 May, 2023 11:13 AM IST | Mumbai | Sameer Surve
એજન્સી સ્ટાફ તૂટેલાં મૅનહોલ કવર સહિતની વસ્તુઓની તપાસ કરશે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ દરેક વૉર્ડનું સર્વેક્ષણ કરવા અને જોખમોને ઓળખવા માટે ખાનગી એજન્સીઓની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. જોકે ઍક્ટિવિસ્ટ્સે આ પાછળ પૈસા ખર્ચવા માટે બીએમસીની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આ કામ બીએમસીનું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે દરેક વૉર્ડ માટે એક એજન્સીની નિમણૂક કરી રહ્યા છીએ. એજન્સી રસ્તા પરનાં જોખમો જેમ કે તૂટેલાં મૅનહોલ કવર, ક્ષતિગ્રસ્ત ગટર અને તૂટેલી ફુટપાથની ઓળખ કરશે. એજન્સીનો સ્ટાફ દરરોજ રોડનો સર્વે કરશે અને વૉર્ડ ઑફિસને રિપોર્ટ સબમિટ કરશે. ત્યાર પછી અમે તરત જ સમસ્યાઓનું નિરાકરણ કરીશું. બીએમસી આ માટે આશરે ૧૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.’
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉલ્હાસ મહાલેએ જણાવ્યું હતું કે ‘અમે કોર્ટના આદેશ મુજબ એજન્સીઓની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે અમે પહેલી વખત આવું કરી રહ્યા છીએ.’
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને સારું પરિણામ મળશે તો અમે આવતા વર્ષે પણ એજન્સીઓની નિમણૂક કરીશું. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને સોશ્યલ મીડિયાના પેજિસ પર સતત ફરિયાદો મળી રહી છે. આ ક્ષતિઓને કારણે ટ્રાફિક તથા જીવલેણ અકસ્માતની સમસ્યા વધી રહી છે. એની નિયમિત તકેદારી આ અકસ્માતો અને ટ્રાફિકની ભીડને અટકાવી શકે છે.’
ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘આ બીએમસીના સ્ટાફનું કામ છે. એમ છતાં તેઓ ખાનગી એજન્સીઓ પર શા માટે પૈસા ખર્ચી રહ્યા છે? બીએમસીના કર્મચારીઓની ફરજ છે કે તેઓ જાગૃત રહે અને અને જોખમોને ઓળખે.’
વૉચડૉગ ફાઉન્ડેશન સંસ્થાના ગૉડફ્રે પિમેન્ટાએ આવા જ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બીએમસીનો સ્ટાફ વૉર્ડમાં દેખરેખ માટે નિયમિત ચક્કર લગાવતો નથી અને હવે તેઓ ખાનગી કૉન્ટ્રૅક્ટરો પાછળ પૈસા ખર્ચી રહ્યા છે.