નીતેશ રાણે થયા કોર્ટના શરણે : સોમવારે છે જામીનની સુનાવણી

29 January, 2022 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આથી હવે સેશન્સ કોર્ટમાંથી નીતેશ રાણેને જામીન મળશે કે કેમ એ સોમવારે જ જાણી શકાશે

નીતેશ રાણે

સિંધુદુર્ગમાં સંતોપ પરબ પર હુમલો કરવાના મામલામાં મુશ્કેલીમાં મુકાયેલા બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણે ગઈ કાલે સિંધુદુર્ગની સેશન્સ કોર્ટના શરણે ગયા હતા. આ સાથે નીતેશ રાણેએ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી, જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. આથી હવે સેશન્સ કોર્ટમાંથી નીતેશ રાણેને જામીન મળશે કે કેમ એ સોમવારે જ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચવા માટે નીતેશ રાણેએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનવાણીમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેમને દસ દિવસની અંદર સ્થાનિક કોર્ટમાં શરણે જવાનું કહ્યું હતું અને એ જ કોર્ટમાં જામીન માટેની અરજી કરવાનું કહ્યું હતું. આટલા સમય સુધી કોઈ કાર્યવાહી ન કરવાનું પોલીસને કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગઈ કાલે નીતેશ રાણે સિંધુદુર્ગ સેશન્સ કોર્ટમાં શરણે ગયા હતા.
મળેલી માહિતી મુજબ નીતેશ રાણે બપોરે કોર્ટમાં હાજર થયા હતા. તેઓ વકીલ સાથે જ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં નિયમિત જામીન મેળવવા માટેની અરજી દાખલ કર્યા બાદ તેમના વકીલે કોર્ટમાં તેમના વતી દલીલ કરી હતી. એ સાંભળ્યા બાદ કોર્ટે આ મામલે સોમવારે સુનાવણી કરવાનું કહ્યું હતું. નીતેશ રાણેના વકીલે પત્રકારોને માહિતી આપી હતી કે જામીનની અરજીની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી અમે કોઈ માહિતી નહીં આપી શકીએ. આ શરણાગતિને ટેક્નિકલ સરેન્ડર કહી શકાય.

mumbai mumbai news nitesh rane