ન્યુઝ શોર્ટમાં: મતદાનમથકમાં વોટર્સ આવે એ પહેલાં સાપની એન્ટ્રી

16 January, 2026 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ પછી પણ મતદાનકેન્દ્રની પૂરતી ચકાસણી કર્યા બાદ જ ઇલેક્શનનો સ્ટાફ રૂમમાં પ્રવેશ્યો હતો અને તેયારીઓ કરી હતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ચેમ્બુરમાં આવેલી રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ કૉલોનીની લૉરેટો કૉન્વેન્ટ સ્કૂલમાં ગઈ કાલે વહેલી સવારે જ્યારે ચૂંટણી-ઑફિસર, પોલીસ અને અન્ય સ્ટાફ પ્રવેશીને તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક સાપ દેખાયો હતો એથી તેમનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તરત જ સર્પમિત્રને જાણ કરવામાં આવી હતી અને એ સાપને પકડી લેવામાં આવ્યો હતો. જોકે એ પછી પણ મતદાનકેન્દ્રની પૂરતી ચકાસણી કર્યા બાદ જ ઇલેક્શનનો સ્ટાફ રૂમમાં પ્રવેશ્યો હતો અને તેયારીઓ કરી હતી.

પિંપરી-ચિંચવડમાં આઠ જગ્યાએ ચૂંટણી સાથે સામાજિક સંદેશ

ચૂંટણી ફક્ત મતદાનલક્ષી ન રહેતાં એના દ્વારા સામાજિક પર્યાવરણ અને આરોગ્યને લગતી અવેરનેસ પણ લાવી શકાય એવા ઉદ્દેશ સાથે કુદરતનું સંવર્ધન, સ્વચ્છતા-આરોગ્ય અને કાયમી વિકાસનો સંદેશ આપતાં આઠ મતદાન-કેન્દ્રો પિંપરી-ચિંચવડમાં ઊભાં કરવામાં આવ્યાં હતાં. એમાંથી એક મતદાન-કેન્દ્ર પર કસરતનાં સાધનો દર્શાવીને સ્વસ્થ જીવન માટે કસરતનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું હતું. 

મતદાનમથકમાં જ પ્રચાર

મીરા રોડના શાંતિનગરમાં વૉર્ડ-નંબર ૨૦માં પોલિંગ બૂથમાં ભારતીય જનતા પાર્ટીનાં પ્રતિનિધિ ઉમેદવારોનાં નામ સાથે તેમના નંબર ધરાવતું કાર્ડ પહેરીને બેઠાં હોવાનું જણાઈ આવતાં આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. આમ કરીને પ્રચાર થયો હોવાનો આક્ષેપ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા કરવામાં આવ્યો હતો. પોલિંગ બૂથની અંદર જ્યાં ચૂંટણી-ઑફિસર અને પોલીસ પણ હાજર હતા એમ છતાં આમ કરવા દેવાયું એના પર તેમણે અચરજ વ્યક્ત કર્યું હતું.

MNSની નજરે ચડી ડુપ્લિકેટ મતદાર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી અગાઉ ઠાકરેબંધુઓએ છેલ્લા કેટલાક દિવસોથી ડુપ્લિકેટ મતદારો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ તો જો કોઈ ડુપ્લિકેટ મતદાર દેખાય તો તેને ત્યાં જ ખતમ કરી નાખવાનું ઉચ્ચાર્યું હતું ત્યારે MNSના ઉમેદવાર યશવંત કિલ્લેદાર મત આપવા ગયા ત્યારે ડુપ્લિકેટ મતદાર તેમની જ નજરે ચડી હતી. વૉર્ડ-નંબર ૧૯૨માં યશવંત કિલ્લેદાર પહોંચ્યા ત્યારે યાદીમાં એક મહિલા મતદારનું નામ બે વાર હતું. આ મહિલા મતદારનું આધાર કાર્ડ ચકાસ્યા બાદ તેની પાસે સોગંદનામું ભરાવ્યા પછી મતદાન માટે પરવાનગી આપવામાં આવી હતી. યશવંત કિલ્લેદારે આને ચૂંટણીપંચની ભૂલ ગણાવી હતી.

વિશ્વની સૌથી ​ઠીંગણી મહિલાએ પણ કર્યું મતદાન

વિશ્વની સૌથી ​ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ ગઈ કાલે નાગપુરમાં તેનો મત આપ્યો હતો. તેની આસપાસ સામાન્ય ઊંચાઈ ધરાવતા મતદારો મહિલાઓ અને પુરુષો હતાં. તેણે મત આપ્યા બાદ પોતાની આંગળી પર લાગેલી શાહી બતાવીને અન્યોને પણ મત આપવાની અપીલ કરી હતી.

ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવાના ટ્રમ્પના પ્લાન સામે NATO દેશો સક્રિય: ૬ દેશોની સેનાનું પહેલું જૂથ પહોંચી ગયું ગ્રીનલૅન્ડ

ગ્રીનલૅન્ડની સુરક્ષાને લઈને નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) દેશોને અમેરિકાની ચાલ પર કોઈ ભરોસો હોય એવું લાગતું નથી. ડેન્માર્કના અનુરોધ પર યુરોપિયન દેશો અને કૅનેડાએ સીમિત સંખ્યામાં પોતપોતાના સૈન્યને ગ્રીનલૅન્ડની રાજધાની નૂકમાં તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. યુરોપના પાંચ દેશો સ્વીડન, નૉર્વે, જર્મની, ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ તેમ જ કૅનેડાએ પોતાના પહેલા સૈન્યજથ્થાને નૂકમાં ઉતારી દીધો હતો. 

દિલ્હીમાં લૉરેન્સ બિશ્નોઈના બે શૂટર્સનું એન્કાઉન્ટર

દિલ્હી પોલીસની નૉર્થ-ડિસ્ટ્રિક્ટ ઍન્ટિ-નાર્કોટિક્સ ટીમ અને બિશ્નોઈ ગૅન્ગના શૂટર વચ્ચે બુધવારે મોડી રાતે એન્કાઉન્ટર થયું હતું. સામસામા ગોળીબાર પછી પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના બે શાર્પશૂટર્સને પકડી લીધા હતા. એક ગુપ્ત બાતમી મળ્યા પછી પોલીસે હીરાનાકી મોડ પાસે જાળ બિછાવી હતી. એન્કાઉન્ટર દરમ્યાન બન્ને તરફથી ગોળીબાર થયો હતો જેમાં એક અપરાધીના પગમાં ગોળી વાગતાં તે જખમી થઈ ગયો હતો. એક પોલીસ-કૉન્સ્ટેબલને પણ ગોળી વાગી હતી, પરંતુ બુલેટપ્રૂફ જૅકેટને કારણે તે બચી ગયો હતો. પોલીસે બે શાર્પશૂટર્સ પાસેથી બે પિસ્તોલ, જીવતી કારતૂસ અને એક સ્કૂટર જપ્ત કર્યું હતું. બેમાંથી એક શૂટરની ઉંમર તો ૧૮ વર્ષથી ઓછી છે. 

અરબી સમુદ્રમાંથી ઘૂસણખોરી કરી રહેલા ૯ પાકિસ્તાની પકડાયા: ઇન્ડિયન કોસ્ટગાર્ડની બોટને જોઈને પાછા ભાગવાની કોશિશ કરતા આ શંકાસ્પદોને ઝડપી લઈને પોરબંદર તટ પર લવાયા

ફરી એક વાર કેટલાક પાકિસ્તાનીઓ અરબી સમુદ્રના રસ્તેથી ભારતની સુરક્ષામાં છીંડું લગાવવાની તૈયારીમાં હતા. ૧૪ જાન્યુઆરીએ રાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જાંબાઝ જવાનોએ પાકિસ્તાનનું એક મોટું ષડયંત્ર પકડી પાડ્યું હતું. ભારતીય જવાનોએ પાકિસ્તાનની અલ-મદીના નામની બોટ પકડી હતી જેમાં ૯ શંકાસ્પદ લોકો ગુજરાતના પોરબંદર તટ પર જઈ રહ્યા હતા. ૧૪ જાન્યુઆરીએ રાતે ભારતીય કોસ્ટગાર્ડના જવાનોને રડાર પર અચાનક શંકાસ્પદ હલચલ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય સીમારેખા પાસે ભારતીય જળક્ષેત્રમાં એક બોટ ચૂપચાપ આગળ વધી રહી હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો એ નાવ પર જઈ પહોંચતાં તેમણે ફરી પાકિસ્તાન તરફ વળીને એન્જિનની સ્પીડ વધારી દીધી હતી. બોટચાલકોએ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનોએ તેમને ચારે બાજુથી ઘેરી લેતાં તેમની પાસે સરેન્ડર કરવા સિવાય કોઈ ચારો નહોતો.  આ ૯ બંદીઓ અને તેમની નાવને ટો કરીને પોરબંદર તટ પર લાવવામાં આવી હતી. 

આર્મી-ડે પર જયપુરમાં જોવા મળ્યું સેનાનું શૌર્ય : પહેલી વાર દુનિયા સામે આવી ભારતની ભૈરવ બટૅલ્યન

જયપુરના સવાઈ માધોસિંહ સ્ટેડિયમમાં ગઈ કાલે આર્મીના ૭૮મા સ્થાપનાદિવસની ઉજવણી માટે શૌર્ય-પરેડનું આયોજન થયું હતું. સવારે જયપુરના મહેલ રોડ પર એક ભવ્ય અને ઐતિહાસિક આર્મી-પરેડ થઈ હતી. આ પરેડમાં ભારતનાં અત્યાધુનિક શસ્ત્રો અને સૈન્યની પ્રતિભાનું પ્રદર્શન થયું હતું. આધુનિક ડ્રોન અને હથિયારોના પ્રદર્શનની સાથે કોઈએ કદી ન જોઈ હોય એવી ભારતની ભૈરવ બટૅલ્યન પહેલી વાર દુનિયા સામે આવી હતી. સૈનિકોએ કરતબો બતાવતી વખતે બાઇક પર હરતા-ફરતા અશોકસ્તંભની રચના કરી હતી. 

નરેન્દ્ર મોદીએ તેમના જ ઘરમાં રહેતી ટચૂકડી ગાયો સાથે મનાવી મકરસંક્રાન્તિ

૨૦૨૪માં નરેન્દ્ર મોદીના વડા પ્રધાન આવાસમાં આંધ્ર પ્રદેશની ટચૂકડી પુંગનૂર પ્રજાતિની ગાયોનું આગમન થયું હતું. એમાંથી સૌથી ટચૂકડી ગાયનું નામ છે દીપજ્યોતિ. નરેન્દ્ર મોદી દર મકરસંક્રાન્તિએ ઊછળકૂદ કરતી આ ગાયોને લીલું ઘાસ ખવડાવીને એમને વહાલ કરતા હોય છે. આ સિલસિલો ગઈ કાલે પણ બરકરાર રહ્યો હતો. 

દિલ્હીમાં ઠંડીએ તોડી નાખ્યો ૧૬ વર્ષ જૂનો રેકૉર્ડ, પારો બે ડિગ્રીએ પહોંચ્યો

ભારતની રાજધાની દિલ્હીમાં આ વખતે રેકૉર્ડતોડ ઠંડી પડી રહી છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં શીત લહેરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગઈ કાલે સવારે દિલ્હીના પાલમમાં નીચું તાપમાન માત્ર બે ડિગ્રી જેટલું નોંધાયું હતું. મોસમ વિભાગના કહેવા અનુસાર મોટા ભાગના દિલ્હીમાં ૨.૩ ડિગ્રી ઠંડી હતી. કહેવાય છે કે દિલ્હીના ગઈ કાલના તાપમાને છેલ્લાં ૧૬ વર્ષનો રેકૉર્ડ તોડ્યો છે. ઠંડીને કારણે ધુમ્મસ પણ ખૂબ વધ્યું છે અને મોટા ભાગના રોડ પર સવારના સમયે ૫૦ મીટરથી દૂરનું જોવામાં મુશ્કેલી પડી રહી હતી. આજે સવારે પણ સાડાઆઠ વાગ્યા પહેલાં ધુમ્મસની રેડ અલર્ટ છે અને એ પછી ઑરેન્જ અલર્ટ છે. 

૫.૫૧ કરોડ રુદ્રાક્ષનું ૧૧ ફુટ ઊંચું શિવલિંગ બની રહ્યું છે માઘમેળામાં

હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘમેળામાં મૌની બાબા નામના એક સાધુ ૧૧ ફુટ ઊંચું શિવલિંગ બનાવી રહ્યા છે. આ શિવલિંગ પાંચ કરોડ ૫૧ લાખ રુદ્રાક્ષથી બનાવવામાં આવશે.
શિવભક્ત મૌની બાબાએ શિવલિંગ બનાવવાનું શરૂ કરી દીધું છે. મૌની બાબાએ આ શિવલિંગના નિર્માણ થકી રાષ્ટ્રરક્ષા, આતંકવાદનો વિનાશ, ભ્રૂણ હત્યાનો અંતના અનુષ્ઠાનનો આરંભ કર્યો છે. આ અનુષ્ઠાનમાં મૌની મહારાજ ૧૨ કરોડ ૫૧ લાખ મહામંત્રોનો જાપ કરશે. મૌની મહારાજ શ્રી પરમહંસ સેવા આશ્રમ બાબુગંજ અમેઠીના પીઠાધીશ્વર છે.

માઘમેળાના માલદાર બાબા : સતુઆબાબાના કાફલામાં પૉર્શે કારનો ઉમેરો

પ્રયાગરાજના માઘમેળામાં સંતોષદાસ ઉર્ફે સતુઆબાબાના ઠાઠની ચર્ચા ચોતરફ થઈ રહી છે. મોટા-મોટા ધનિક શેઠોનું જે સપનું હોય એવી લક્ઝરી કારો સતુઆબાબાના કાફલામાં જોવા મળે છે. પહેલાં સતુઆબાબા ડિફેન્ડરમાં જોવા મળ્યા હતા. તેમની પાસે કરોડો રૂપિયાની કિંમતની ગાડીઓ છે. આ વખતે તેમના કાફલામાં નવીનક્કોર પૉર્શે કારનો ઉમેરો થયો છે. આ કારની કિંમત પણ લગભગ ૩ કરોડ રૂપિયાથી વધુની કહેવાય છે. ગઈ કાલે માઘમેળામાં નવીનક્કોર પૉર્શેનું બાબાએ પૂજન કર્યું હતું. આ કારો તેમના ખુદના નામે નથી હોતી. બાબાનું કહેવું છે કે તેમના ભક્તો તેમને પ્રેમથી મોંઘી ગાડીઓ આપે છે. 

રંગોળી જ નહીં, ઘરો પણ રંગવાની ટ્રેડિશન છે અગરતલામાં

ભારતનાં પૂર્વનાં રાજ્યોમાં મકરસંક્રાન્તિની અલગ પ્રકારની ઉજવણી થાય છે. ત્રિપુરાના અગરતલા પાસેનું લંકામુરા નામનું ગામ મકરસંક્રાન્તિના સેલિબ્રેશન માટે અનોખી રીતે સજે છે. આ ગામમાં માત્ર માટીનાં જ ઘરો છે અને આ ઉત્સવ માટે ઘરો પર અલ્પના આર્ટ તરીકે ઓળખાતી ડિઝાઇન્સ બનાવવામાં આવે છે. ગામની વચ્ચે જાયન્ટ રંગોળી તો બનાવાય જ છે, પરંતુ ગામનું પ્રત્યેક ઘર મોટા ભાગે ગામની સ્ત્રીઓ પોતે જ પેઇન્ટ કરે છે. આ સામાન્ય રંગરોગાન નથી પરંતુ આર્ટનો એક પ્રકાર છે. 

mumbai news mumbai bmc election municipal elections chembur