ન્યૂઝ શોર્ટમાં: અલીબાગ સુધી પહોંચી ગયેલું મૉન્સૂન આજકાલમાં મુંબઈ પહોંચે એવી શક્યતા

23 June, 2026 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે પણ મુંબઇમાં કડાકા- ભડાકા સાથે વરસાદની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

બે અઠવાડિયાંથી કોકણના હર્ણે અને મધ્ય મહારાષ્ટ્રના સોલાપુરમાં આવીને અટકી ગયેલું મૉન્સૂન ગઈ કાલે પુણે અને રાયગડ જિલ્લાના અલીબાગ સુધી પહોંચી ગયું હતું એવી માહિતી હવામાન વિભાગે આપી હતી. વળી એ મુંબઈ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પહોંચે એ માટેની પરિસ્થિતિઓ રવિવારથી અનુકૂળ થવા માંડી હોવાથી આવનારા બે દિવસમાં એ મુંબઈ પહોંચે એવી શક્યતા છે. મંગળવારથી મુંબઈ સહિત કોકણમાં વરસાદનું જોર વધશે એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગઈ કાલે સવારે પણ મુંબઈ સિટી સહિત સબર્બ્સ વરલી, બાંદરા, કુર્લા, અંધેરી, ઘાટકોપર, મલાડ, કાંદિવલીમાં હળવાંથી મધ્યમ ઝાપટાં પડતાં મુંબઈગરાઓને ગરમીથી થોડી રાહત મળી હતી. આજે પણ મુંબઈમાં કેટલીક જગ્યાએ કડાકા-ભડાકા સાથે મધ્યમથી ભારે ઝાપટાં પડવાની શક્યતાઓ દર્શાવાઈ છે અને મુંબઈમાં હવામાન ખાતાએ યલો અલર્ટ જાહેર કરી છે. 

પત્નીએ ગર્ભપાત કરાવવાની ના પાડી એટલે પતિએ પેટ પર લાતો મારી મોતને ઘાટ ઉતારી

મુંબ્રામાં ૨૮ વર્ષની ગર્ભવતી મહિલાને તેના જ પતિ અને સાસુએ પેટ પર લાતો મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ મામલે મુંબ્રા પોલીસે મરનાર મહિલાનાં માતાની ફરિયાદના આધારે તેના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ૧૦ જૂને બની હતી. પોલીસતપાસમાં બહાર આવ્યું છે કે ઘરના સભ્યો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આરોપીઓ મરનાર મહિલા પર ગિરવી મૂકેલા દાગીના પાછા મેળવવા માટે દબાણ કરી રહ્યા હતા. આ ઉપરાંત સાસરિયાં પક્ષના લોકો આ બાળક નહોતા ઇચ્છતા એથી તેઓ મહિલા પર ગર્ભપાત કરાવવાનું દબાણ કરી રહ્યા હતા. મહિલાએ ગર્ભપાત કરાવવાની સ્પષ્ટ ના પાડી દેતાં મામલો બગડ્યો હતો. ૧૦ જૂનની સાંજે એક ઉગ્ર દલીલ દરમ્યાન ગુસ્સે ભરાયેલાં પતિ અને સાસુએ ગર્ભવતી મહિલાના પેટ પર જોરદાર લાતો મારી હતી. ગંભીર હાલતમાં મહિલાને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન તેણે દમ તોડ્યો હતો. 

બિહારના NEET-UG પરીક્ષા કેન્દ્રમાં મુન્નાભાઈ MBBSનો ખેલ દેખાયો

મેડિકલ અને નર્સિંગ સ્ટુડન્ટ્સ સહિત ૨૪ જણની થઈ ધરપકડ: બિહારના લખીસરાયમાં નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની પુનઃ પરીક્ષા દરમ્યાન ‘મુન્નાભાઈ MBBS’ શૈલીની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે મેડિકલ તથા નર્સિંગ સ્ટુડન્ટ્સ અને બાયોમેટ્રિક કંપનીના કર્મચારી સહિત ૨૪ જણની ધરપકડ કરી છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે એક ગૅન્ગે ઉમેદવારો માટે બેસવા અને તેમના વતી મેડિકલની પ્રવેશપરીક્ષા આપવા માટે ‘સૉલ્વર્સ’ ગોઠવ્યા હતા. પેપર-લીક વિવાદ બાદ મૂળ પરીક્ષા રદ કરવામાં આવ્યા પછી રવિવારે ૨૦ લાખથી વધુ મેડિકલ ઉમેદવારોએ NEET-UGની ફરી પરીક્ષા આપી હતી, જેને કારણે આ ગૅન્ગનો પર્દાફાશ થયો હતો.

પંજાબમાં માવાં-ધિયાં સત્કાર યોજના શરૂ

આ યોજનાથી પંજાબની ૯૭ ટકા મહિલાઓને લાભ મળશે, જે માટે સરકારે ૯૩૦૦ કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરી છે. પંજાબમાં મહિલા આર્થિક સશક્તીકરણ માટે મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને જાહેરાત કરી છે કે માવાં-ધિયાં (મા-દીકરી) સત્કાર યોજના અંતર્ગત આગામી પહેલી જુલાઈએ મહિલાઓના ખાતામાં સીધો જ ૩ મહિનાની સન્માન રાશિનો પ્રથમ હપ્તો જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ ૧૮ વર્ષથી વધુ ઉંમરની અનુસૂચિત જાતિ (SC)ની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયા પ્રમાણે ૩ મહિનાના ૪૫૦૦ રૂપિયા મળશે, જ્યારે અન્ય તમામ શ્રેણીની મહિલાઓને દર મહિને ૧૦૦૦ પ્રમાણે ૩૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

mumbai news mumbai alibaug mumbai monsoon monsoon news mumbai rains indian meteorological department