15 October, 2026 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીનાક્ષી શિંદે
થાણેના શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકરની ગયા મહિને થયેલી હત્યાના પ્રકરણમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ થાણેનાં ભૂતપૂર્વ મેયર અને શિંદેસેનાનાં નેતા મીનાક્ષી શિંદેને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. જોકે તેમને ક્યારે બોલાવવામાં આવ્યાં છે એ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે મીનાક્ષી શિંદેના પતિ રાજેન્દ્ર શિંદેની મંગળવારે આશરે ૯ કલાક સુધી થાણે પોલીસની ટીમ દ્વારા ઊલટતપાસ કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીની સામે બેસાડીને રાજેન્દ્ર શિંદેની પૂછપરછ કરવામાં આવી હતી.
નેરળ અને માથેરાન દરમ્યાનની મિની ટ્રેન-સર્વિસ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને દશેરાના શુભ મુહૂર્તે આ ટ્રેન-સર્વિસ ફરી શરૂ કરવાનું સેન્ટ્રલ રેલવે દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાને પગલે ભેખડો ધસી પડવાની કે અન્ય દુર્ઘટના ન બને એ માટે સેન્ટ્રલ રેલવેએ જૂન મહિનાથી નેરળ-અમન લૉજ દરમ્યાનની મિની ટ્રેન-સર્વિસ બંધ કરી હતી.
૨૦ ઑક્ટોબરથી ફરીથી આ મિની ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવતાં માથેરાન જતા પ્રવાસીઓને મોટી રાહત મળશે. ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડવાની શક્યતા હોવાને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સર્વિસ બંધ કરવામાં આવી હતી. દર વર્ષે સેન્ટ્રલ રેલવે ચોમાસા દરમ્યાન આ મિની ટ્રેન-સર્વિસ બંધ કરી દેતી હોય છે. આ દરમ્યાન માથેરાનથી અમન લૉજ વચ્ચે શટલ સર્વિસ ચાલુ રાખવામાં આવી હતી જેને કારણે પર્યટકોને અમન લૉજથી માથેરાન સુધી મિની ટ્રેનથી પ્રવાસ કરવો પડતો હતો. જોકે ૨૦ ઑક્ટોબરથી નેરળથી જ અમન લૉજ સુધી પહોંચવા માટે મિની ટ્રેનની સર્વિસ ફરી મળી રહેશે.
કૅથલિક ચર્ચના ૭૧ વર્ષના વડા પોપ લિયોને ફેફસાના કૅન્સરનું નિદાન થયું છે. રોમની હૉસ્પિટલમાં તેમના પર સફળ સર્જરી કરવામાં આવી હતી. મંગળવારે ૯૦ મિનિટની સર્જરીમાં તેમના જમણા ફેફસાના નીચલા ભાગમાંથી કૅન્સરગ્રસ્ત ગાંઠને દૂર કરવામાં આવી હતી. આ સંદર્ભમાં વૅટિકને એક મેડિકલ બુલેટિનમાં જણાવ્યું હતું કે નિયમિત મેડિકલ ચેક-અપમાં તેમને લંગ એડેનોકાર્સિનોમા (ફેફસાનું કૅન્સર) હોવાનું નિદાન થયું હતું. આ ફેફસાંના કૅન્સરનો એક સામાન્ય પ્રકાર છે. ઑપરેશન પહેલાં કરવામાં આવેલી તપાસના આધારે ડૉક્ટરોને એની શંકા હતી. ડૉક્ટરો હવે તપાસ કરી રહ્યા છે કે શું કૅન્સર તેમના શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ગયું છે કે નહીં.
યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાએ કરેલા ભયાનક હુમલાને કારણે બુધવારે ૬ લાખથી વધુ લોકો અંધારપટમાં ધકેલાયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કરેલા એનર્જી યુદ્ધવિરામ કરારનો રશિયાએ સીધો ભંગ કરીને આ બૅલિસ્ટિક મિસાઇલ-હુમલો કર્યો હતો. રવિવારે ડોનલ્ડ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે ઊર્જાક્ષેત્રે શાંતિ માટેની સંમતિ વિશે મોટી જાહેરાત કરી હતી. ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે અત્યારે ઓછામાં ઓછી ૨૬ પાવર ફૅસિલિટી અને ઑઇલ તથા ગૅસ સેક્ટરની અન્ય ૪ મોટી સાઇટને ભારે નુકસાન થયું હોવાથી દેશમાં વીજળીકાપ હજી વધુ વ્યાપક બની શકે છે. રશિયાએ કિવ અને ખાર્કિવ પર આશરે ૩૯ બૅલિસ્ટિક મિસાઇલ અને ૧૨૦થી વધુ ડ્રોન વડે હુમલો કર્યો હતો. કિવમાં ૯ માળની એક ઇમારત સળગી ઊઠી હતી. એમાં એક નાગરિકનું મોત થયું હતું અને બચાવકર્મીઓએ સીડી વડે લોકોને બચાવ્યા હતા.