ન્યૂઝ શોર્ટમાં: ગોવંડીની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

01 February, 2026 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવંડી વિસ્તારમાં શનિવારે સવારે એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી ઓછામાં ઓછાં ૮ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

ગોવંડી વિસ્તારમાં શનિવારે સવારે એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી ઓછામાં ઓછાં ૮ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આ બાબતે માહિતી આપતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઑફિસરે કહ્યું હતું કે ‘ગોવંડીના ન્યુ ગૌતમનગરમાં સવારે ૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઓછામાં ઓછા ૪ ફાયર-એન્જિન અને અન્ય વાહનોને મોકલવામાં આવ્યાં હતાં અને ૩ કલાકથી વધુ સમય પછી આગ કાબૂમાં આવી હતી. આગ ચોક્કસ કયા કારણસર લાગી એ હજી સુધી જાણી શકાયું નથી. એની તપાસ ચાલુ છે.’

બદલાપુરની યુવતી ચાલુ ટ્રેન પકડવા ગઈ, નીચે પટકાઈ અને જીવ ગુમાવ્યો

સેન્ટ્રલ રેલવેના બદલાપુરમાં ગઈ કાલે સવારના પીક અવર્સ દરમ્યાન એક યુવતી ટ્રેન પકડવા જતાં સ્લિપ થઈ જતાં પ્લૅટફૉર્મ પરથી નીચે પટકાઈને મૃત્યુ પામી હતી. આ દુખદ ઘટના ગઈ કાલે સવારે ૮.૧૦ વાગ્યે બની હતી. કલ્યાણ ગવર્નમેન્ટ પોલીસ (GRP)એ આ કેસની માહિતી આપતાં કહ્યું હતું કે ‘બદલાપુરમાં રહેતી અને થાણેમાં સર્વિસ કરતી ૨૮ વર્ષની ચેતના દેવરુખકરે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન સહેજ ચાલુ થઈ ગઈ હતી અને એ વખતે તેનો પગ લપસ્યો હતો અને તે પ્લૅટફૉર્મ પર પટકાઈ હતી. એ વખતે પ્લૅટફૉર્મ પૂરું થઈ જતાં એ લટકી ગઈ અને પછી પાટા પર પટકાઈને ટ્રેનની નીચે આવી જતાં તેને ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું. કલ્યાણ ગવર્નમેન્ટ પોલીસ (GRP)એ આ સંદર્ભે ઍક્સિડેન્ટલ કેસની નોંધ કરીને તેના પરિવારને એ વિશે જાણ કરી હતી. 

વાકોલામાં ગુજરાતી મહિલાની ચેઇન ખેંચાઈ

વાકોલામાં શિવાજીનગર રોડ પર શુક્રવારે સવારે બે માણસો સ્કૂટર પર આવી ૫૩ વર્ષનાં વિજયા સોલંકીની ચેઇન છીનવીને નાસી ગયા હતા. આ મામલે વાકોલા પોલીસે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં સફાઈ-કર્મચારીની નોકરી કરતાં વિજયાબહેનની ફરિયાદના આધારે બે લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ એટલી જોરથી ચેઇન ખેંચી હતી કે આ ઘટનામાં વિજયાબહેનને ગળામાં ઈજા થઈ હતી. ચેઇન-સ્નૅચિંગનો ભોગ બનનાર વિજયા સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે છ વાગ્યાની આસપાસ હું વી. એન. દેસાઈ હૉસ્પિટલ નજીક આવેલી BMCની ચોકીમાં હાજરી નોંધાવીને ત્યાં કામ કરી રહી હતી. એ સમયે મારી તબિયત ઠીક ન હોવાથી હું ઘરે જવા નીકળી હતી. શિવાજીનગર રોડ પર રસ્તો ક્રૉસ કરતી વખતે અચાનક કાળા રંગના સ્કૂટર પર આવેલા બે યુવાનો મારી ૧૨ ગ્રામની ચેઇન જોરથી છીનવીને ભાગી ગયા હતા. મારી સાથે શું થયું એ જાણવાની કોશિશ કરું એ પહેલાં સ્કૂટર પર આવેલા બન્ને લોકો ત્યાંથી નાસી ગયા હતા. મારી ચોરાયેલી ચેઇન મારી મૂડી સમાન હતી.’ 

બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો પાકિસ્તાનમાં ૧૧ સ્થળો પર હુમલો : વીસથી વધુ લશ્કરી અધિકારીઓનાં મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઓછામાં ઓછાં ૧૧ સ્થળો પર બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા ભારે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વીસથી વધુ પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા છે અને સાતને BLA ફાઇટર્સ દ્વારા જીવતા પકડી લેવામાં આવ્યા છે. ગ્વાદર બંદર પર ભારે વિસ્ફોટો કરવામાં આવ્યા છે, જ્યારે ક્વેટામાં એક પોલીસ-સ્ટેશન સંપૂર્ણપણે નાશ પામ્યું છે. અફઘાનિસ્તાન અને ઈરાન સાથે સરહદ ધરાવતો બલૂચિસ્તાન પ્રાંત લાંબા સમયથી અલગતાવાદી બળવાખોરીનું સ્થળ રહ્યો છે, જ્યાં આતંકવાદીઓ સુરક્ષાદળો તેમ જ વિદેશી નાગરિકોને નિશાન બનાવે છે. એક નિવેદનમાં પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીએ જણાવ્યું હતું કે ૧૦ સુરક્ષા-અધિકારીઓ માર્યા ગયા છે અને ૩૭ બળવાખોરોને મારવામાં આવ્યા છે. શનિવારે પાકિસ્તાનના સાઉથ-વેસ્ટ બલૂચિસ્તાન પ્રાંતમાં સંકલિત હુમલાઓ કરવામાં આવ્યા હતા.

mumbai news mumbai fire incident govandi badlapur vakola