02 June, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખોપોલીમાં પલટી ખાઈ ગયેલા કન્ટેનરનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલીમાં સોમવારે સવારે ચોખા ભરીને મુંબઈ આવી રહેલા કન્ટેનર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે જણનાં મૃત્યુ થયાં હતાં અને ૩ જણ ગંભીર રીતે જખમી થયા હતા, જેમાં એક વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સોમવારે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે બની હતી. આ ઘટનાને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કન્ટેનરના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એ ઊંધું વળી ગયું હતું અને થોડી જ વારમાં પૂરપાટ ઝડપે આવતી ટ્રક એની સાથે અથડાઈ હતી, જેમાં ટ્રકમાં બેઠેલા બે જણનાં મૃત્યુ થયાં હતાં. જખમી થયેલાઓને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. પલટી ગયેલા કન્ટેનરના ડ્રાઇવર તેમ જ અકસ્માત થયો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી કારના બે જણને ગંભીર ઈજા થઈ હતી, જેમાં ૮૦ વર્ષનાં એક વૃદ્ધા પણ હતાં. આ ઘટનાને કારણે રસ્તા પર ચોખા અને ઑઇલ ઢોળાતાં કલાકો સુધી ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.
બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર માગાઠાણે નજીક ગઈ કાલે રસ્તા પર ઑઇલ ઢોળાઈ જતાં લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને અમુક ટૂ-વ્હીલર સ્લિપ થયાં હતાં. ઑઇલ ઢોળાવાને કારણે ટ્રાફિક ધીમે આગળ વધી રહ્યો હતો. ઑઇલ ઢોળાયું હોય એનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થયો હતો. જોકે આના કારણે કોઈ મોટો અકસ્માત થયો નહોતો અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ઑઇલ પર રેતી નાખવાનું કામ શરૂ કરી દેવાયું હતું.
સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે લેજન્ડરી સિંગર પદ્મભૂષણ સુમન કલ્યાણપુરના અંતિમ સંસ્કાર સોમવારે સાંતાક્રુઝના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. ‘મણિયારો’ અને ‘પાણી ગ્યાતા રે’ જેવાં ગુજરાતી ગીતો, ‘બહના ને ભાઈ કી કલાઈ સે’, ‘ના તુમ હમે જાનો’, ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ જેવાં અનેક હિટ સૉન્ગ ગાનારાં સુમન કલ્યાણપુરના નિધન અંગે શોક વ્યક્ત કરતાં સોમવારે મહારાષ્ટ્રના ગવર્નર જિષ્ણુ દેવ વર્માએ કહ્યું હતું કે તેમનું સંગીત અમર છે અને તેમની ખોટ સંગીતજગતમાં ક્યારેય નહીં પૂરી શકાય. નાદુરસ્ત તબિયતને પગલે રવિવારે રાતે સુમન કલ્યાણપુરનું ૮૯ વર્ષની ઉંમરે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.
મરીન ડ્રાઇવના દરિયામાં ગઈ કાલે સવારે ૧૧.૨૫ વાગ્યે એક મહિલાએ દરિયામાં ઝંપલાવી દીધું હતું. એ વખતે ત્યાં પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસ-કૉન્સ્ટેબલ જયેશ માળીને એની જાણ થતાં તેણે પણ તરત જ દરિયામાં ઝંપલાવ્યું હતું અને ડૂબી રહેલી મહિલાને બચાવીને કાંઠા પર લઈ આવ્યો હતો. અન્ય લોકોએ તે મહિલાને ઉપર લાવવામાં મદદ કરી હતી. ત્યાર બાદ અન્ય પોલીસ-કર્મચારીઓએ ઍમ્બ્યુલન્સ મગાવીને તેને હૉસ્પિટલ મોકલી હતી. જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતાં અનેક મુંબઈગરાઓએ પોલીસ-કૉન્સ્ટેબલ જયેશ માળીની એ કામગીરી બિરદાવી હતી.
દર વર્ષે જ્યારે ચોમાસાના પૂર્વીય પવનો મુંબઈના દરિયાકાંઠે ફૂંકાય છે ત્યારે કાળા ચીકણા ટારબૉલ્સથી મુંબઈના બીચ ભરાઈ જાય છે. ખરેખર તો આ દરિયામાં ઢોળાયેલા તેલને કારણે થાય છે. જુહુથી વર્સોવા અને અક્સાથી ગિરગાવ કિનારા સુધી આવા ટારબૉલ્સ જોવા મળે છે. ગઈ કાલે સવારે જુહુ બીચ આવા ટારબૉલ્સથી ભરાઈ ગયો હતો. એમ તો દરિયો એને ન જોઈતી વસ્તુઓ બહાર જ ફેંકી દે છે એટલે આ પ્રક્રિયા દરિયાની સફાઈપ્રક્રિયા છે પણ એને કારણે બીચ પર પડેલા ટારબૉલ્સને સાફ થવામાં લાંબો સમય પણ લાગે છે.
બાંદરા-વેસ્ટમાં લીલાવતી હૉસ્પિટલની સામે આવેલા નિત્યાનંદનગરના વિંગ્સ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર ગુરુવારે રાતે ૯.૨૦ વાગ્યે એકસાથે ૨૫૦ જેટલાં ડ્રોન ઊડતાં દેખાયાં હતાં એટલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી અને એ બધાં જ ડ્રોન જમીન પર ઉતારી લેવા એના ઑપરેટરને જણાવ્યું હતું અને આ સંદર્ભે તપાસ કરીને બે જણ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો. પોલીસતપાસમાં જણાઈ આવ્યું હતું કે એક કંપની દ્વારા પ્રમોશન માટે ૨૫૦ ડ્રોન ઉડાડવામાં આવ્યાં હતાં. વળી એ આ આખી પ્રોસેસ શૂટ કરવા લૅપટૉપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં વધુમાં જણાઈ આવ્યું હતું કે કંપનીના કર્મચારીને મુંબઈમાં ડ્રોન ઉડાડવા માટે લેવી પડતી પોલીસ-પરમિશન લાવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તે એ પરવાનગી મેળવવામાં ફેલ ગયો હતો. પોલીસે કર્મચારી અને કંપનીના મૅનેજર સામે FIR નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
કલકત્તાના લેકટાઉનમાં લાગેલી આર્જેન્ટિનાના ફુટબૉલ-સ્ટાર લિઅનલ મેસીની ૭૦ ફુટ ઊંચી મૂર્તિને સોમવારે હટાવી દેવામાં આવી હતી. આ મૂર્તિ હાલમાં આવેલા આંધી-તોફાનમાં અસ્થિર થઈને હલવા લાગી હતી. એવામાં એ ગમે ત્યારે પડી જઈ શકે એવો ખતરો હતો. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ હાઇડ્રોલિક ક્રેનની મદદથી મૂર્તિને ટ્રક પર લોડ કરીને હટાવી હતી. આ મૂર્તિ ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં જ્યારે મેસી કલકત્તા આવ્યો હતો ત્યારે લગાવવામાં આવી હતી. મેસીએ ખુદ રિમોટ કન્ટ્રોલથી મૂર્તિનું અનાવરણ કર્યું હતું.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી છે, જેનાથી તેમની કાર્યકારી સંખ્યા ૩૭ થઈ ગઈ છે. હજી એક જસ્ટિસની જગ્યા ખાલી છે. નિમણૂકોમાં જસ્ટિસ શીલ નાગુ, જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, જસ્ટિસ સંજીવ સચદેવા, જસ્ટિસ અરુણ પલ્લી અને વરિષ્ઠ વકીલ વેન્કિતા સુબ્રમણ્ય મોહનાનો સમાવેશ થાય છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ૨૭ મેએ તેમની બઢતીની ભલામણ કરી હતી. જસ્ટિસ શીલ નાગુ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ છે, જસ્ટિસ શ્રી ચંદ્રશેખર બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ છે, જસ્ટિસ સંજીવ સચદેવા મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ છે અને જસ્ટિસ અરુણ પલ્લી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ છે.