16 December, 2025 10:35 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણે જિલ્લાના રાજગુરુનગરમાં આવેલા કોચિંગ ક્લાસમાં સાથે ભણતા ૧૬ વર્ષના બે છોકરાઓમાં કોઈ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. એ વિવાદને લઈને એક છોકરો સોમવારે સવારે ક્લાસમાં તેની સાથે ચાકુ લઈને આવ્યો હતો. તેણે ચાકુથી બીજા છોકરા પર વાર કર્યા હતા. એમાં તે છોકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તરત જ લોહીનીંગળતી હાલતમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.
થાણેની લોકઅદાલતે ઈ-ચલાનને લગતા ૧૧,૮૨૭ કેસનો નિકાલ કરીને ૧.૩૨ કરોડ રૂપિયા ફાઇન રિકવર કર્યો
મોટર વ્હીકલ ઍક્ટ હેઠળ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને હવે ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવે છે, જે ડાયરેક્ટલી તેમના મોબાઇલ પર મોકલવામાં આવે છે. જે લોકો એ ઇગ્નૉર કરે છે અને ફાઇન નથી ભરતા તેમની સામે કેસ નોંધવામાં આવે છે એમ થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) પંકજ શિરસાટે જણાવ્યું હતું. થાણે પોલીસે આવા કેસના વાહનધારકોને એક તક આપીને એ ફાઇન ભરી દેવાની અપીલ કરી હતી. એ માટે શનિવારે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ૧૧,૮૨૭ કેસનો નિકાલ લાવવામાં આવ્યો હતો અને ૧.૩૨ કરોડ રૂપિયાનો ફાઇન વસૂલ કરવામાં આવ્યો હતો.
આ વખતે આૅપરેશન સિંદૂરની પતંગો ચગશે
ઉતરાણને હજી મહિનાની વાર છે પણ થાણેમાં પતંગની એક દુુકાનમાં પતંગોનો સ્ટૉક આવી ગયો છે. આ પતંગો પર ઑપરેશન સિંદૂર છવાયેલું છે.
વારાણસીમાં નીકળી પાર્શ્વનાથ જન્મકલ્યાણકની ભવ્ય શોભાયાત્રા
શ્રી દિગંબર જૈન સમાજ કાશી દ્વારા જૈન ધર્મના ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનો જન્મ વારાણસીમાં થયો હતો. ગઈ કાલે તેમની જન્મજયંતી કાશીની ગલીઓમાં ખૂબ ધામધૂમથી ઊજવાઈ હતી. આ અવસરે ચાંદીના વિશાળ ગજરથ પર પ્રભુની પ્રતિમા વિરાજમાન કરીને શહેરમાં નગરયાત્રા નીકળી હતી. એવું મનાય છે કે પાર્શ્વનાથ તીર્થંકરનો જન્મ લગભગ ૩૦૦૦ વર્ષ પૂર્વે વારાણસીના ભેલુપુરમાં થયો હતો.
મૉરોક્કોના શુષ્ક વિસ્તાર મુશળધાર વરસાદને કારણે થઈ ગયા જળમગ્ન, ૩૭ લોકોનાં મોત
નૉર્થ આફ્રિકામાં આવેલા મૉરોક્કોમાં ગઈ કાલે ઍટલાન્ટિક મહાસાગરના તટે આવેલા સાફી શહેરમાં મુશળધાર વરસાદ વરસતાં રસ્તા, ઘરો અને ખેતરો બધું જ જળમગ્ન થઈ ગયું હતું. ૭૦ ઘરો ડૂબીને વહી ગયાં હતાં, ડઝનબંધ વાહનો તણાયાં હતાં અને હાલત એટલી ગંભીર થઈ ગઈ કે સરકારે ૩ દિવસ માટે સ્કૂલો, કૉલેજો અને ઑફિસો બંધ જાહેર કરવી પડી હતી. માત્ર સાફી શહેરમાં જ ૩૭ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે. જળવાયુ પરિવર્તનને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોથી મૉરોક્કોમાં વરસાદની પૅટર્ન ખૂબ જ અણધારી થઈ ગઈ છે. સામાન્ય રીતે શુષ્ક રહેતા પહાડી અને રેગિસ્તાન જેવા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.