25 January, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગિરગામ ચોપાટી
ગિરગામ ચોપાટી ખાતે સેઇલ ઇન્ડિયા ૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે. ભારતના ટોચના સેઇલર્સ જપાનના નાગોયામાં ૨૦૨૬માં યોજાનારી એશિયન ગેમ્સ માટે તૈયારી કરી રહ્યા છે, જેના માટે મુંબઈમાં સેઇલ ઇન્ડિયા 2026 અને એશિયન ગેમ્સ સિલેક્શન ટ્રાયલ્સ-II શરૂ થઈ ગઈ છે. દેશભરની ૧૮ ક્લબ અને સંસ્થાઓના લગભગ ૧૫૦ સિલેક્ટેડ સેઇલર્સ ILCA 7, ILCA 6, 49er, 49er FX અને iQFoil સહિત વિવિધ ઑલિમ્પિક્સ અને આંતરરાષ્ટ્રીય ક્લાસમાં સ્પર્ધા કરી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સાથે મળીને BMC આર્મી સેઇલિંગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આ ઇવેન્ટનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
વંદે ભારત એક્સપ્રેસમાં ૭ માર્ચ સુધી વધારાના ૪ કોચ જોડાશે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે ચાલતી ટ્રેન-નંબર ૧૨૯૩૩/૧૨૯૩૪ કર્ણાવતી એક્સપ્રેસ ૨૬ જાન્યુઆરીથી ૭ માર્ચ સુધી મુંબઈ સેન્ટ્રલને બદલે બાંદરા ટર્મિનસ સુધી દોડશે. બાંદરા ટર્મિનસથી ટ્રેન બપોરે ૧.૫૫ વાગ્યે ઊપડશે તેમ જ અમદાવાદ તરફથી આવતી ટ્રેન બાંદરા ટર્મિનસ બપોરે ૧૨.૩૦ વાગ્યે પહોંચશે. નોંધનીય છે કે ટ્રેનના બોરીવલી અને વટવા/અમદાવાદના સમયમાં કોઈ ફેરફાર નહીં થાય. ટ્રેન-નંબર ૨૨૯૬૧/૨૨૯૬૨ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસમાં ૧૬ કોચથી વધારીને ૨૦ કોચ કરવામાં આવશે. ૨૬ જાન્યુઆરીથી ૭ માર્ચ સુધી વધારાના ૪ કોચ સાથે વંદે ભારત એક્સપ્રેસ દોડશે.
હિમાચલ પ્રદેશના શિમલામાં ગઈ કાલે પણ બરફવર્ષા ચાલુ રહી હતી અને એને પગલે આ હિલ સ્ટેશનનાં મકાનો પર સફેદી છવાઈ ગઈ હતી.
૨૯ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી રાતે ૧૦થી સવારે ૮ વાગ્યા સુધી ડાઇવર્ઝન. ભાંડુપમાં લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર ભાંડુપ સ્ટેશન રોડ ચોક ખાતે મેટ્રો 4ના કામ માટે ૨૯ ફેબ્રુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધી રસ્તો બંધ રહેશે. ચારેય દિવસ રાતે ૧૦ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી ગાંધીનગર ચોકથી ભાંડુપ સોનાપુર ચોક વચ્ચે LBS માર્ગ અને ભાંડુપ સ્ટેશન રોડ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે. દરમ્યાન LBS માર્ગ પર ગાંધીનગર ચોકથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે થઈને ઐરોલી ચોક થઈને ભાંડુપ ચોક જઈ શકાશે.
મુંબઈમાં આજથી ક્લાસિક વિન્ટેજ ફોર-વ્હીલર્સ અને ટૂ-વ્હીલર્સને નજીકથી માણી શકાશે. વિન્ટેજ ઍન્ડ ક્લાસિક કાર ક્લબ ઑફ ઇન્ડિયા (VCCCI) દ્વારા ઍન્યુઅલ વિન્ટેજ કાર ફીએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૨૪થી ૨૬ જાન્યુઆરી સુધી ૩ દિવસના કાર્યક્રમમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ખાતે ૧૮૫થી વધુ કાર અને ૫૦ ટૂ-વ્હીલર્સનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. આજે આ એક્ઝિબિશન જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું છે. એની એન્ટ્રી-ફી ૧૦૦ રૂપિયા છે. ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સ્કૂલના આઇડેન્ટિટી કાર્ડ પર ફ્રી એન્ટ્રી મળશે. સોમવારે વિન્ટેજ કારનો કાફલો રોડ સેફ્ટી ડ્રાઇવ રૂટ પર કફ પરેડથી વરલી થઈને ચર્ચગેટ પાછો ફરશે.
નવી મુંબઈના મ્હાપે MIDC વિસ્તારમાં આવેલી બીટાકેમ કેમિકલ્સના યુનિટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી તીવ્ર હતી કે આખો પરિસર ધુમાડાનાં કાળાં વાદળોથી ઢંકાઈ ગયો હતો. આગની ઊંચી જ્વાળાઓ જોઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આગનાં ભયાનક દૃશ્યો સોશ્યલ મીડિયા પર પણ ઝડપથી ફેલાયાં હતાં. શનિવારે બપોરે આગ લાગવાની થોડી જ મિનિટોમાં આખું યુનિટ આગમાં હોમાઈ ગયું હતું. ફાયર-બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બાજુના યુનિટ્સને આગથી બચાવવાનું કામ પણ હાથ ધર્યું હતું. આગ ખૂબ ફેલાઈ ગઈ હોવાથી મોડી સાંજ સુધી આગ ઓલવવાનું કામ ચાલ્યું હતું. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગનું ચોક્કસ કારણ હજી સુધી નક્કી થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસ મુજબ આગ શૉર્ટ સર્કિટ અથવા ફૅક્ટરીમાં રાસાયણિક પ્રતિક્રિયા થવાને કારણે લાગી હશે એમ ફાયર-બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું.
૨૬ જાન્યુઆરીએ યોજાનારી બીટિંગ રિટ્રીટ સેરેમનીના રિહર્સલરૂપે ગઈ કાલે દિલ્હીના વિજય ચોક પર પર્ફોર્મ કરતું ઇન્ડિયન આર્મીનું બૅન્ડ.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતના બહાદુર સ્નો વૉરિયર્સ એટલે કે હિમ યોદ્ધા મુખ્ય આકર્ષણ રહેશે. સફેદ બૂટ અને કાળાં ચશ્માં પહેરીને અને બર્ફીલાં શિખરો પરથી દુશ્મન પર તીક્ષ્ણ નજર રાખતા આ યોદ્ધાઓનો જુસ્સો જોવાલાયક છે.