મુંબઈમાં નવા વર્ષની સવાર પડી વરસાદનાં અમીછાંટણાં સાથે- આજે સવારે પણ હળવો વરસાદ પડી શકે છે

02 January, 2026 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર પળવારમાં હટી અને વાતાવરણ સ્વચ્છ બન્યું,

ગઈ કાલે પડેલા વરસાદને લીધે શિવાજી પાર્કમાં પાણીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. તસવીર : શાદાબ ખાન.

મેઘરાજાએ દિવાળી સુધી બધા જ તહેવારોમાં હાજરી પુરાવી હતી તો નવું વર્ષ કેમ બાકાત રહે?  પહેલી જાન્યુઆરીની વહેલી સવારે મુંબઈગરાને વરસાદે સરપ્રાઇઝ આપી હતી. સવારની ઠંડીમાં મૉર્નિંગ વૉક પર નીકળેલા લોકોએ વરસાદમાં ભીંજાવું પડ્યું હતું. કેટલાક લોકોએ તો વરસાદ સાથેના સૂર્યોદય અને ભીના રસ્તાના ફોટો તરત જ સોશ્યલ મીડિયા પર શૅર કરી દીધા હતા. કોલાબા, ભાયખલા અને લોઅર પરેલમાં વરસાદનું મોટું ઝાપટું પડ્યું હતું. વરસાદને કારણે કોસ્ટલ રોડ અને ઈસ્ટર્ન ફ્રીવે પર વિઝિબિલિટીને પણ અસર થઈ હતી. બાંદરાથી દહિસર અને કુર્લાથી મુલુંડ સુધીનાં ઉપનગરોમાં હળવો અને ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે આવેલા ઠંડા પવનને કારણે મુંબઈનું લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું.

શિયાળો શરૂ થતાં મુંબઈમાં ઍર-પૉલ્યુશનમાં ચિંતાજનક વધારો થયો હતો. અનેક પગલાં લેવાયા છતાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સુધરતો નહોતો ત્યારે વરસાદ પડતાં જ આખા શહેરની હવા ચોખ્ખી થઈ ગઈ હતી. વરસાદ બંધ થતાં જ વિઝિબિલિટી એકદમ ક્લિયર થઈ ગઈ હતી. મુંબઈને ધુમ્મસ અને પ્રદૂષણથી થોડા સમય માટે મુક્તિ મળી ગઈ હતી. જોકે સાંજે મુંબઈનો અરેરાશ AQI ૧૪૧ નોંધાયો હતો જે હવાની ખરાબ ગુણવત્તા સૂચવે છે.

પવનની દિશા અને ભેજના પ્રમાણને કારણે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના જણાવતાં આગાહી કરવામાં આવી હતી કે આગામી ૪૮ કલાક મુંબઈમા વાદળછાયું વાતાવરણ રહેશે. આજે સવારના સમયે પણ હળવો વરસાદ પડી શકે છે.

mumbai news mumbai mumbai rains Weather Update mumbai weather indian meteorological department