31 January, 2026 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈની ટ્રાફિક-પોલીસે ટ્રાફિક-જૅમ ઘટાડવા માટે હેવી વ્હીકલ્સ પર નવો પ્રતિબંધ જાહેર કર્યો છે. આ પ્રતિબંધ પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે. નવા આદેશ હેઠળ ભારે વાહનોને સવારે આઠથી ૧૧ વાગ્યા સુધી અને સાંજે પાંચથી રાતે ૯ વાગ્યા સુધી મુંબઈમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ પીક અવર્સ છે. આ સમયે મૅક્સિમમ વાહનો રોડ પર હોય છે. મોટાં વાહનો અન્ય કારચાલકો, વાહનચાલકો અને અન્ય લોકો માટે મુસાફરી જોખમી બનાવે છે. શહેરમાં વાહનોની વધતી સંખ્યા અને ઘણા મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે જે મોટા ભાગના ટ્રાફિક-જૅમનાં મુખ્ય કારણો છે.
સાઉથ મુંબઈમાં તો વળી આ નિયમો વધુ સ્ટ્રિક્ટ કરવામાં આવ્યા છે. લક્ઝરી બસ સહિત બધાં જ હેવી વ્હીકલ્સને સવારના સાતથી રાતના ૧૨ સુધી તળ મુંબઈમાં પ્રવેશ નહીં અપાય. આ સમય દરમ્યાન ફક્ત એસેન્શિયલ ગુડ્સ ધરાવતાં હેવી વ્હીકલ્સ જ તળ મુંબઈમાં આવી-જઈ શકશે. આ એસેન્શિયલ ગુડ્સ હેઠળ દૂધ, બ્રેડ, બેકરીની આઇટમ, પીવાનું પાણી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઍમ્બ્યુલન્સ, સ્કૂલ-બસ, સરકારી અને અર્ધસરકારી વાહનોને આવવા-જવાની છૂટ હશે. લક્ઝરી બસો મુંબઈમાં આવી શકશે, પણ તળ મુંબઈમાં મધરાતે ૧૨ વાગ્યા બાદ અને સવારના ૭ વાગ્યા સુધી આવી શકશે.
પહેલી ફેબ્રુઆરીથી હેવી વ્હીકલ્સના પાર્કિંગના નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. હેવી વ્હીકલ્સ હવે પ્રાઇવેટ કે રેન્ટેડ પાર્કિંગ-પ્લેસ પર જ પાર્ક કરી શકાશે અથવા પે ઍન્ડ પાર્કમાં પાર્ક કરી શકાશે. તેઓ તેમનાં વ્હીકલ્સ રોડ પર પાર્ક નહીં કરી શકે. ફક્ત પાણીનાં બે ટૅન્કર એમણે જ્યાંથી પાણી ભરવાનું હોય છે એ જગ્યાએ પાર્ક કરી શકાશે.