10 March, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાઇરાઇઝ બિલ્ડિંગના પાયાના ખોદકામ અને બિલ્ડિંગના ચણતર વખતે સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવામાં આવે એ માટે BMCની હાઇરાઇઝ કમિટી દ્વારા જિયોટેક્નિકલ ફાઉન્ડેશન એક્સપર્ટ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
BMC આવો નિર્ણય લેનારી એશિયાની પહેલી સુધરાઈ બની છે. નવા નિયમો મુજબ ૧૮૦ મીટર કરતાં ઊંચા બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન વખતે બાંધકામના મહત્ત્વના તબક્કાઓ
વખતે હાઇરાઇઝ કમિટીનું ક્લિયરન્સ લેવું ફરજિયાત છે.
મુંબઈમાં નાની એવી જગ્યામાં ઊંચા હાઇરાઇઝ ટાવર બનાવવામાં આવી રહ્યા છે ત્યારે એ માટે ઊંડો અને ટેક્નિકલ જરૂરિયાતો મુજબ મજબૂત પાયો ખોદવો જરૂરી છે. એક અધિકારીએ આપેલી માહિતી મુજબ હાઇરાઇઝ કમિટી એ ચકાસશે કે એ હાઇરાઇઝ બિલ્ડિંગ માટેની ડિઝાઇન ત્યાંની જમીનની માટી અને પથ્થર માટે યોગ્ય છે કે નહીં, ફાઉન્ડેશનનું કામ યોગ્ય રીતે થાય છે કે નહીં, બાજુનાં મકાનોને નુકસાન ન થાય એ માટે સેફ્ટીનાં પૂરતાં પગલાં લેવામાં આવ્યાં છે કે નહીં; પાણીની પાઇપલાઇન, સિવરેજ, ગૅસ, ઇલેક્ટ્રિસિટી જેવી અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીને કોઈ નુકસાન તો નથી પહોંચ્યુંને.
અત્યાર સુધી આ બાબતે બિલ્ડરના સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો સાઇન કરેલો રિપોર્ટ ચકાસીને અપ્રૂવ કરવામાં આવતો હતો. જોકે છેલ્લા થોડા વખતમાં સ્ટ્રક્ચરલ ફેલ્યરની સંખ્યાબંધ ઘટનાઓ બનતાં ફાઉન્ડેશનની ક્વૉલિટી બાબતે સવાલ ઊભા થયા છે એથી BMCએ સ્પેશયલ જિયોટેક્નિકલ કન્સલ્ટન્ટને જિયોટેક્નિકલ ડિઝાઇન અને ફાઉન્ડેશનની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.