26 March, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુષાર દોશી
સાતારા જિલ્લાપરિષદના પ્રમુખપદની ચૂંટણી બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના વચ્ચે ગઈ કાલે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. ઉપસભાપતિ નીલમ ગોર્હેએ સાતારાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (SP) તુષાર દોશીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. એ આદેશ તેમના અધિકાર ક્ષેત્રની બહાર હોવાનું કહીને વિધાનપરિષદના અધ્યક્ષ રામ શિંદેએ ઉપસભાપતિ નીલમ ગોર્હે દ્વારા અપાયેલા આદેશને રદ કર્યા હતા તેમ જ આ મામલે વધુ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ શિવસેના અને BJPના નેતાઓ વચ્ચે નવી દલીલો થવાની શક્યતાને જોતાં ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. દરમ્યાન મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે સાતારા જિલ્લાપરિષદના પ્રમુખપદની ચૂંટણી વિશે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કટાક્ષ કરીને કહ્યું હતું કે BJPને હવે તેમની કે તેમના પક્ષની જરૂર નથી. એના કારણે વિવાદ વકર્યો હતો.