01 November, 2025 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પટનાની એક હોટેલમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય પ્રધાન જિતનરામ માંઝી તથા ચિરાગ પાસવાન અને સંસદસભ્ય ઉપેન્દ્ર કુશવાહા સહિત NDAના સાથીપક્ષોના નેતાઓની હાજરીમાં NDAનો મૅનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો હતો.
બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ૭ નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે એના અઠવાડિયા પહેલાં સત્તા પર રહેલા ગઠબંધન નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) દ્વારા ગઈ કાલે તેમનો ઇલેક્શન મૅનિફેસ્ટો, ‘સંકલ્પપત્ર-2025’ રજૂ કરવામાં આવ્યો હતો. આ મૅનિફેસ્ટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને મહિલા સશક્તીકરણ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા અને બિહારવાસીઓને ‘પંચામૃત ગૅરન્ટી’નો વાયદો કરવામાં આવ્યો છે. આ ગૅરન્ટી પ્રમાણે ગરીબો માટે મફત રૅશન, ૧૨૫ યુનિટ મફત વીજળી, પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર, ૫૦ લાખ નવાં કાયમી મકાનો અને સોશ્યલ સિક્યૉરિટી પેન્શનના વાયદા કરવામાં આવ્યા છે.
થોડા સમય પહેલાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે જણાવ્યું હતું કે તેમની સરકાર આગામી પાંચ વર્ષમાં એક કરોડ લોકોને સરકારી નોકરીઓ અને રોજગાર આપશે. નીતીશ કુમારના આ વિઝનને NDAના મૅનિફેસ્ટોમાં મુખ્ય સ્થાન મળ્યું છે. મૅનિફેસ્ટોમાં કરાયેલી જાહેરાત પ્રમાણે બિહારમાં કૌશલ્ય વિકાસ યોજનાના ભાગરૂપે દરેક જિલ્લામાં મેગા સ્કિલ સેન્ટર અને એક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની સ્થાપનાની પણ જાહેરાત મૅનિફેસ્ટોમાં કરવામાં આવી છે.
મૅનિફેસ્ટોમાં જણાવાયું છે કે દરેક જિલ્લામાં ફૅક્ટરીઓ ખોલવામાં આવશે અને ૧૦ નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવામાં આવશે. મૅનિફેસ્ટોમાં ડિફેન્સ કૉરિડોર અને સેમી-કન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ યુનિટની સ્થાપના માટેની પ્રતિબદ્ધતા દર્શાવાઈ હતી.
બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ દરેક ઘરમાંથી એક મહિલાને તેની પસંદગીના રોજગાર માટે ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ અમુક મહિલા ઉદ્યમીઓને વધારાના બે લાખ રૂપિયાની સહાય આપવાનું પ્રૉમિસ મૅનિફેસ્ટોમાં છે.
NDAના આ ઘોષણાપત્રમાં બિહારમાં મજબૂત કનેક્ટિવિટી માટે ૭ નવા એક્સપ્રેસવે અને ૩૬૦૦ કિલોમીટરના રેલવે-ટ્રૅકના આધુનિકીકરણની જાહેરાત પણ કરી છે. રાજ્યનાં ૪ નવાં શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવાની જાહેરાત પણ કરાઈ છે.
વિરોધી પક્ષોના ગઠબંધને બે દિવસ પહેલાં જ તેમનો મૅનિફેસ્ટો જાહેર કરીને વાયદો કર્યો હતો કે તેઓ સત્તા પર આવશે એટલે ૨૦ દિવસની અંદર બિહારના દરેક પરિવારમાં એક જણને સરકારી નોકરી પૂરી પાડશે.