07 May, 2026 02:25 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
આરોપી
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના નસરાપુર ખાતે માસૂમ બાળકી પર જાતીય અત્યાચાર કરીને તેની હત્યા કરનારા આરોપીને પુણે ગ્રામીણ પોલીસે મંગળવારે રાત્રે ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઇમ-સીનનું રીક્રીએશન કરાવ્યું હતું.
આરોપીને ગામના પશુઓના શેડમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે આ અપરાધ કર્યો હતો. આરોપીએ પોલીસને બતાવ્યું કે કેવી રીતે તેણે બાળકીને ખાવાનું આપવાની લાલચ આપીને બોલાવી હતી અને બળાત્કાર કરીને ત્યાર બાદ મોઢામાં મોજું દબાવીને તેને ગૂંગળાવીને મારી નાખી હતી.
નસરાપુર અત્યાચાર કેસની પોલીસતપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એવું બહાર આવ્યું છે કે આરોપી ભીમરાવ કાંબળે ચાર-પાંચ દિવસથી એ જ ગૌશાળામાં રહ્યો હતો જ્યાં તેણે બાળકી પર જાતીય હુમલો કર્યો હતો.
આ બાળકી તેનાં માતા-પિતા સાથે પુણેમાં રહેતી હતી. ઉનાળાના વેકેશન માટે તે નસરાપુરમાં તેની દાદીના ઘરે ગઈ હતી. એ દરમ્યાન તેના ઘરની નજીક ઈંટો ઉપાડવાનું કામ મેળવ્યા બાદ ભીમરાવ કાંબળેએ પોતાનાં કપડાં અને સામાન એ ગૌશાળામાં રાખ્યાં હતાં. ત્રણ દિવસથી, જ્યારે ભીમરાવ કાંબળે તે સ્થળે ઈંટો ઉપાડવાનું કામ કરી રહ્યો હતો, ત્યારે તે બાળકી નજીકમાં રમી રહી હતી. બાળકીને વાછરડા સાથે રમવું બહુ ગમતું હોવાથી તે ગૌશાળામાં રમતી હોય ત્યારે આરોપી તેના પર નજર રાખી રહ્યો હતો. જે દિવસે તેનું ઈંટો ઉપાડવાનું કામ પૂરું થયું એ દિવસે ભીમરાવ કાંબળે બાળકીને ગૌશાળામાં લઈ ગયો હતો. અંદર લઈ જતાં પહેલાં તેણે બાળકીને ગાઠી શેવ (એક પ્રકારનો નાસ્તો) ખાવા માટે આપ્યો હતો. ત્યાર બાદ તેને ગૌશાળામાં લઈ ગયો હતો અને તેના પર જાતીય હુમલો કર્યો હતો.
૫૦૦ પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે ક્રાઇમ-સીન રીક્રીએશન
આરોપી અને બાળકીના પરિવાર સહિત ગામના લોકોના ભારે રોષને ધ્યાનમાં રાખીને ગ્રામીણ પોલીસે ભીમરાવ કાંબળેને રાતના અંધારામાં ગુનાના સ્થળે લઈ જવાનું નક્કી કર્યું હતું. ૫૦૦ જેટલી પોલીસનો ભારે બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. અદાલતમાં કેસને મજબૂત રીતે રજૂ કરવા માટે હાલમાં પોલીસ તમામ ફૉરેન્સિક પુરાવાઓ એકઠા કરી રહી છે.