ઇકૉનૉમી ક્લાસમાં જ ટ્રાવેલ કરે છે સુધા મૂર્તિ

18 November, 2024 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ અને તેમનાં લેખિકા-સેવાભાવી પત્ની સુધા મૂર્તિ એક આદર્શ યુગલ તો છે, પણ સાથેસાથે બન્ને પોતાપોતાની વિચારસરણીને કારણે આદર્શ વ્યક્તિ પણ છે.

સુધા મૂર્તિ

ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ અને તેમનાં લેખિકા-સેવાભાવી પત્ની સુધા મૂર્તિ એક આદર્શ યુગલ તો છે, પણ સાથેસાથે બન્ને પોતાપોતાની વિચારસરણીને કારણે આદર્શ વ્યક્તિ પણ છે. તાજેતરમાં એક શોમાં મૂર્તિ-યુગલે જીવનની કેટલીક મહત્ત્વની વાતો હળવી અને રમૂજી શૈલીમાં કહી હતી. દરેક પતિ-પત્નીની જેમ તેમનામાં પણ વિચારભેદ હોય છે અને એ વાતનો ઉલ્લેખ કરતાં નારાયણ મૂર્તિએ કહ્યું કે સુધા મૂર્તિ બહુ સાચવી-સાચવીને પૈસા વાપરે છે; તે અમારી સગવડ પાછળ નહીં પણ સેવા પાછળ પૈસા ખર્ચે છે. પરોપકાર માટે પૈસા વાપરવામાં માનતાં સુધા મૂર્તિએ નારાયણ મૂર્તિની આદતો વિશે કહ્યું કે ‘તેમને ખરીદી કરવાની આદત છે, આપણને જીવનમાં જોઈએ શું? સારું ભોજન, છોલે-ભટૂરે જેવું નહીં, પણ સારું, હેલ્ધી ભોજન. આપણને બહુબધાં કપડાંની પણ જરૂર નથી હોતી. હું બધા પૈસા બીજાની સેવા કરવામાં જ વાપરું છું. તેઓ (નારાયણ મૂર્તિ) મને બિઝનેસ ક્લાસની ટિકિટ લેવાનું કહે ત્યારે હું કહું છું કે શા માટે? હું ઇકૉનૉમી ટિકિટ લઈને પણ એ જ જગ્યાએ અને એ જ સમયે પહોંચી જઈશ.’

લગ્નજીવનમાં કે જીવનસાથી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ ક્યારેક એ મતભેદ પણ એકબીજાને આકર્ષતા હોય છે. એ વિશે સુધા મૂર્તિએ કહ્યું કે આ એક જ વાતે અમારી વચ્ચે મતભેદ છે, તેઓ મને તદ્દન વિપરીત ગણે છે અને હું તેમને; અમારી વિચારસરણી જુદી છે પણ એ જુદાપણું અમને આકર્ષે છે અને એટલે જ અમે સમજૂતી શોધતાં હોઈએ છીએ.

 

sudha murthy narayana murthy infosys relationships life masala