27 December, 2024 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પતિ, પત્ની ઔર વોહ : સતીશ વાઘ, તેમની પત્ની મોહિની અને પ્રેમી અક્ષય જાવળકર
૨૯ વર્ષના પ્રેમી સાથેના સંબંધની આડે આવતા પતિને પત્નીએ જ સુપારી આપીને પતાવી દીધો : પોતાના જ મકાનમાં ભાડે રહેતા યુવાન સાથે આંખ મળી ગયા બાદ ૧૧ વર્ષથી ચાલી રહેલો સંબંધ જાળવી રાખવા મોહિની વાઘે પતિને મારી નાખવા પાંચ લાખ રૂપિયાની સુપારી આપી હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પુણેના નેતા અને વિધાન પરિષદના સભ્ય યોગેશ ટિળેકરના સગા મામા સતીશ વાઘના ૯ ડિસેમ્બરે થયેલા અપહરણ અને મર્ડરના મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સતીશ વાઘની બીજા કોઈએ નહીં પણ તેમની પત્ની મોહિનીએ પાંચ લાખ રૂપિયાની સુપારી આપીને હત્યા કરાવી હોવાનું તપાસમાં જણાઈ આવતાં પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બુધવારે મોડી રાત્રે મોહિની વાઘની ધરપકડ કરી હતી. પતિ સતીશ વાઘ લગ્નબાહ્ય સંબંધમાં આડે આવી રહ્યો હતો એટલે તેને પ્રેમીના હાથે પતાવી દેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. મોહિની વાઘ અને તેના પ્રેમી સહિત છ આરોપીની ધરપકડ થવાની સાથે જ ૧૧ વર્ષ ચાલેલા લગ્નબાહ્ય પ્રેમસંબંધનો અંત આવ્યો છે અને બન્ને પોલીસની પકડમાં આવી ગયાં છે.
પુણેમાં ૯ ડિસેમ્બરે સવારે પંચાવન વર્ષના સતીશ વાઘ મૉર્નિંગ વૉક કરવા નીકળ્યા ત્યારે કારમાં આવેલા કેટલાક લોકોએ તેમનું અપહરણ કર્યું હતું. સાંજના અપહરણ થયું હતું એનાથી ૪૦ કિલોમીટર દૂર આવેલા હડપસર વિસ્તારના શિંદવણે ઘાટ પરથી સતીશ વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પર એક-બે નહીં પણ ૭૨ ઘા મારવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
પુણે પોલીસે અપહરણ અને હત્યાના આ મામલામાં ગણતરીના દિવસોમાં જ પવન શર્મા, નવનાથ ગુરસાળે, વિકાસ શિંદે અને આતિશ જાધવ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલો સુપારી કિલિંગનો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું. જોકે આરોપીઓ મોઢું ખોલી નહોતા રહ્યા એટલે કોણે સુપારી આપી છે એ જાણવામાં પોલીસને સમય લાગ્યો હતો.
પોલીસ સામે રડવાનો ઢોંગ
સતીશ વાઘના પાર્થિવ દેહની અંતિમક્રિયા બાદ પોલીસ તેમના ઘરે ગઈ હતી. પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી હતી ત્યારે સતીશ વાઘની પત્ની મોહિની વચ્ચે-વચ્ચે મોટેથી રડવા લાગી હતી. પતિના અવસાનથી પોતાને બહુ દુઃખ થયું હોવાનું જતાવવા મોહિની રડવાનો ઢોંગ કરી રહી હોવાની પોલીસને એ સમયે ખબર નહોતી.
શંકા ગઈ
સતીશ વાઘના પરિવારની નજીકની એક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે હત્યા બાદ લાંબા સમયથી વાઘ પરિવારના મકાનમાં ભાડે રહેતો ૨૯ વર્ષનો એન્જિનિયર અક્ષય જાવળકર રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે. સતીશ વાઘના પુત્રનો અક્ષય મિત્ર હોવા છતાં તે મિત્રના પિતાના મૃત્યુ સમયે નહોતો દેખાયો. આથી પોલીસે ચક્રો કામે લગાવીને અક્ષય જાવળકરને રવિવારે ઝડપી લીધો હતો.
પ્રેમીએ વટાણા વેરી નાખ્યા
પોલીસની આકરી પૂછપરછમાં અક્ષય જાવળકરે સતીશ વાઘની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પુણે પોલીસના ઍડિશનલ કમિશનર (ક્રાઇમ) બલકવડેએ ગઈ કાલે પત્રકારોને માહિતી આપતાં આ વિશે કહ્યું હતું કે ‘આરોપી અક્ષય જાવળકર સતીશ વાઘના મકાનમાં ભાડેથી રહેતો હતો. તે તેમના પુત્રનો મિત્ર બની ગયો હતો એટલે અવારનવાર તેમના ઘરે જવા-આવવા લાગ્યો હતો. આથી તે સતીશ વાઘનાં પત્ની મોહિનીના સંપર્કમાં આવ્યો હતો. બન્નેની આંખ મળી જતાં થોડા સમયમાં તેમની વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. લભગભ નવ વર્ષ આ અફેર ચાલ્યું હતું. જોકે બે વર્ષ પહેલાં આ વાતની જાણ સતીશ વાઘને કોઈક રીતે થઈ જતાં તેમણે અક્ષય જાવળકર પાસે ભાડાનું મકાન ખાલી કરાવી નાખ્યું હતું. આમ છતાં અક્ષય અને મોહિનીના સંબંધ કાયમ રહ્યા હતા. સતીશ વાઘે પત્ની મોહિનીની હેરાનગતિ કરવાની શરૂઆત કરી હતી અને તેની પાસેથી ઘરનો વ્યવહાર આંચકી લીધો હતો. મોહિની વાઘને પતિ રૂપિયા પણ નહોતો આપતો. આ અક્ષયથી સહન ન થતાં તેણે મોહિની સાથે મળીને સતીશ વાઘની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મોહિનીએ આ માટે પાંચ લાખ રૂપિયાની ક્યાંકથી વ્યવસ્થા કરી હતી. અક્ષયે સતીશ વાઘને ખતમ કરવા માટે સુપારી આપતાં તેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કાવતરું ઘડવામાં મોહિની વાઘ પણ સામેલ હોવાથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.’