વિશાલ ઠક્કરે પપ્પાને રાતે ૧ વાગ્યે મેસેજ કર્યો હતો કે હું ઘરે આવું છું

15 January, 2016 03:26 AM IST  | 

વિશાલ ઠક્કરે પપ્પાને રાતે ૧ વાગ્યે મેસેજ કર્યો હતો કે હું ઘરે આવું છું



ફિલ્મોમાં અને સિરિયલોમાં કામ કરી ચૂકેલા અને રેપના આરોપસર ચર્ચામાં આવેલા મુલુંડમાં રહેતા વિશાલ ઠક્કરે થર્ટીફસ્ર્ટની રાતે એક વાગ્યાની આસપાસ તેના પપ્પાને ઘરે આવું છું એવો મેસેજ કરેલો તો તે ઘરે પાછો કેમ ન આવ્યો એ પ્રશ્ન ઊભો થયો છે.

૩૧ ડિસેમ્બરે વિશાલ ઘરેથી ૧૧ વાગ્યે નીકળ્યા બાદ પાછો આવ્યો ન હોવાથી પરિવારે બધે જ શોધ કર્યા બાદ ત્રીજી જાન્યુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મુલુંડ પોલીસે કેસ નોંધીને તપાસ કરતાં જાણવા મળ્યું કે વિશાલ ગર્લફ્રેન્ડ સાથે ગાર્ડન હોટેલમાં રાત રોકાયો હતો અને પહેલી જાન્યુઆરીએ ઘોડબંદર રોડ પરની ફાઉન્ટન હોટેલ પાસેથી ચા પીધા બાદ તેનો કોઈ પત્તો લાગી નથી રહ્યો.

મુલુંડ પોલીસે આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘વિશાલ છેલ્લે ઘોડબંદર રોડ પર હતો અને ત્યારથી તેનો કોઈ પત્તો લાગી રહ્યો ન હોવાથી અમે ગઈ કાલે કાસરવડવલી પોલીસ-સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કર્યો છે. કેસને લાગતા બધા ડૉક્યુમેન્ટ્સ ત્યાં મોકલી આપ્યા છે અને ત્યાં કેસની તપાસ થઈ રહી છે.’

ગઈ કાલે બપોરથી વિશાલ ઠક્કરના પરિવારનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો હોવા છતાં કોઈ ફોન ઉપાડતું નહોતું. અંતે સાંજે તેની મમ્મી સાથે બે મિનિટ માટે વાત થતાં તેમણે તેમની તબિયત બહુ જ ખરાબ હોવાનું કહ્યું હતું. વિશાલના ગુમ થવા વિશે વાત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ દિવસે રાતે તે ફિલ્મ જોવા ૧૧ વાગ્યે નીકળ્યો હતો. રાતના એક વાગ્યે તેણે પપ્પાને ફોન કરીને ઘરે આવું છું એમ પણ કહ્યું હતું. ગૂગલ અને અન્ય જગ્યાએ રેપ-કેસની વાતો લખેલી હોવાથી અને કામને લઈને તે ડિપ્રેશનમાં હતો. હાલમાં હું કંઈ જ બોલી શકું એવી હાલતમાં નથી.’