મુંબઈના ૩૧ વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ

12 October, 2012 07:29 AM IST  | 

મુંબઈના ૩૧ વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ



જુહુમાં આવેલું દેશનું સૌથી જુનું એરોડ્રોમ સ્પૉર્ટસ કૉમ્પ્લેક્સની જગ્યા પર આવેલું છે, એવા ૩૧ વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ તાજેતરમાં જ થયો છે. એક તરફ જુહુ ઍરપોર્ટનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે એવી ભીતી સેવાઈ રહી છે, ત્યારે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ જુહુ ઍરપોર્ટના ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરીને ઍરપોર્ટનું જતન કરવાનો સારો નિર્ણય લીધો છે. જોકે ઍરપોર્ટના ડેવલપમેન્ટની તેમની યોજના આડે એક બહુ મોટો અવરોધ છે. શહેરના ડેવલપમેન્ટ પ્લાન મુજબ એરોડ્રોમ જે ૩૮૫ એકરની જમીન પર બન્યું છે તે પ્લોટને જાહેર બગીચા અને સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ માટે આરક્ષિત રાખવામાં આવ્યો હોવાથી આ પ્લોટ પર ઍરપોર્ટના ડેવલપમેન્ટના પ્લાનને કદાચ સરકારની મંજૂરી મળશે નહીં.

રાજ્ય સરકાર દ્વારા ૧૯૮૧-૨૦૦૧ માટે તૈયાર કરવામાં આવેલા ડેવલપમેન્ટ પ્લાનમાં જુહુના આ મોકાના પ્લોટનો સમાવેશ સ્પૉર્ટસ ક્ૉમ્પ્લેક્સ માટે અનામત રાખવામાં આવેલી જગ્યામાં કરવામાં આવ્યો હતો. આ જ ડેવલપમેન્ટ પ્લાનને રાજ્ય સરકાર દ્વારા એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા નોટીફાઈ કરવામાં આવેલી રીતે આ પ્લોટ હવે સ્પૉટ્ર્‍સ કૉમ્પ્લેક્સ માટે અનામત છે. ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ આ અગાઉ પણ અનેક વખત સરકારનું ધ્યાન આ ક્ષતિ તરફ દોર્યું છે, પરંતુ તેના પર અત્યાર સુધી ધ્યાન આપવામાં આવ્યું નહોતું. જોકે આ વાતને અત્યાર સુધી ગુપ્ત રાખવામાં સરકાર અને ઍરપોર્ટ ઑથોરિટીને સફળતા મળી હતી, પરંતુ અત્યારે વિસ્તરણનું કામ અટક્યું હોવાથી બહાર પાડવામાં આવેલા પ્લાનને કારણે આ રહસ્ય છતું થયું છે.

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ જુહુ એરોડ્રોમના વિસ્તરણનો કે-વેસ્ટ વૉર્ડ-ઓફિસમાં મોકલી આપ્યો છે અને તેમાં રનવેના વિસ્તરણનો નકશો આપવામાં આવ્યો છે. એએઆઈના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે વેસ્ટર્ન રિજનની ઓફિસને મોકલાવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘મુંબઈ મહાનગરપાલિકાના કે-વેસ્ટ વૉર્ડના ૧૯૮૧-૨૦૦૧ના ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારો કરવાની આવશ્યકતા છે જેથી જુહુ એરોડ્રોમના પ્લોટ પરના ઍરપોર્ટનું ડેવલપમેન્ટ કરી શકાય.’

જુહુ ઍરપોર્ટનું મહત્વ



જુહુ એરોડ્રોમ ૧૯૨૮માં બાંધવામાં આવ્યું હતું. તે દેશનું પહેલું નાગરી ઉડ્ડયન એરપોર્ટ હતું. ૧૯૪૮માં તેનાથી ઘણા મોટા સાંતાક્રુઝ એરપોર્ટનું બાંધકામ થયું હતું. બંને વિશ્વ યુદ્ધ દરમ્યાન આ એરપોર્ટનો ઉપયોગ થયો હતો, પરંતુ ૬૦ના દાયકામાં તેનું મહત્વ ઘટી ગયું હતું. પહેલાના શહેરના ડેવલપમેન્ટ પ્લાનમાં તેનો ગ્રીન ઝોન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ૩૮૫ એકરના પ્લોટનો સમાવેશ સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ તરીકે કરવામાં આવ્યો હતો અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો નહોતો. મહારાષ્ટ્ર સરકારને ૩૦ લાખ રૂપિયા આપીને ભારત સરકારે આ પ્લોટ ખરીદ્યો હતો. અત્યારે આ પ્લોટની માલીકી ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન) પાસે છે. અત્યારે આ ઍરપોર્ટનો ઉપયોગ ૧૦૦ જેટલા હેલિકોપ્ટરના ઉડ્ડયન માટે અને પાઈલટને તાલીમ આપવા માટે થાય છે.

બિપીનકુમાર સિંહ