30 September, 2025 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
MMRCએ કહ્યું હતું કે ‘અહીં બેસાડવામાં આવેલાં એસ્કેલેટર પણ આઉટડોર યુઝ માટે બનાવવામાં આવ્યાં છે`
આરેથી કફ પરેડના રૂટ પર અન્ડરગ્રાઉન્ડ દોડનારી મેટ્રો 3ના હુતાત્મા ચોક (ફ્લોરા ફાઉન્ટન) સ્ટેશનમાં જવા-આવવાના એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટને છત વગરનો ઓપન-ટુ-સ્કાય બનાવવામાં આવ્યો છે. સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ પર છાપરું કે સીલિંગ જેવું કંઈ રાખવામાં આવ્યું નથી એટલે અનેક મુંબઈગરાઓને એની ડિઝાઇન જોઈને અચરજ થયું છે. એવો સવાલ પણ થયો છે કે શું આવી ડિઝાઇનથી સ્ટેશનમાં વરસાદનું પાણી નહીં ભરાઈ જાય? જોકે મેટ્રો બનાવનાર મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ કહ્યું હતું કે ‘એ વિસ્તારમાં હેરિટેજ સ્ટ્રક્ચર્સ આવેલાં હોવાથી એના લુકનું મહત્ત્વ જળવાઈ રહે એ માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ આ એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ ઓપન-ટુ-સ્કાય બનાવવામાં આવ્યા છે. ઉપરાંત રેલિંગ્સ પર ગ્લાસની પૅનલ મૂકી છે અને હેરિટેજ સ્ટ્રક્ચર સાથે બંધબેસતું આવે એવું બાંધકામ કરવામાં આવ્યું છે.’
MMRCએ કહ્યું હતું કે ‘અહીં બેસાડવામાં આવેલાં એસ્કેલેટર પણ આઉટડોર યુઝ માટે બનાવવામાં આવ્યાં છે. એમાં વરસાદના પાણીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને લોકોની સેફ્ટીનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો છે. આ ડિઝાઇન હેરિટેજ આર્કિટેક્ટને કન્સલ્ટ કર્યા પછી જ તૈયાર કરવામાં આવી છે. મુંબઈ હેરિટેજ કમિટીનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવવામાં આવ્યું છે. આ હેરિટેજ સેન્સિટિવ ડિઝાઇન અહીંની હેરિટેજ સાઇટને દીપાવશે.’