હજી એકાદ-બે દિવસ મુંબઈગરાને રાહત રહેશે, ત્યાર બાદ પારો વધશે

18 March, 2024 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે એની અસરરૂપે મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદ​ળિયું વાતાવરણ છે. 

પ્રતીકાત્મક તસવીર

હજી એકાદ-બે દિવસ વાદળિયું વાતાવરણ રહેવાનું હોવાથી મુંબઈગરાને થોડીક રાહત રહેશે, પણ ત્યાર બાદ ફરી એક વખત ઉનાળાનો માહોલ જામશે અને પારો વધવાની શક્યતા મોસમ વિભાગે દર્શાવી છે. પારો ધીમે-ધીમે ટૂંક સમયમાં ૩૭ ​ડિગ્રી પર પહોંચે એ વખતે બપોરના બહાર નીકળો તો કાળજી લેવી એવું સૂચન મોસમ વિભાગ દ્વારા કરાયું છે. હાલ વેસ્ટર્નલી ​ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ તરફથી અને પૂર્વ તરફથી વાતા પવનો સામસામે અથડાઈ રહ્યા છે એટલે વાતાવરણમાં થોડો પલટો જોવા મળી રહ્યો છે અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો વિદર્ભ, મરાઠવાડામાં છૂટાંછવાયાં ઝાપટાં પણ પડી રહ્યાં છે. જોકે એની અસરરૂપે મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદ​ળિયું વાતાવરણ છે. 

મોસમ વિભાગનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ સહિત પાલઘર, થાણે, રત્નાગિરિના કોંકણ બેલ્ટમાં વાદ​ળિયું વાતાવરણ હજી બે-ત્રણ દિવસ રહેશે. જોકે એ પછી ધીમે-ધીમે પારો ઉપર જવાની શક્યતા છે. હાલ મુંબઈમાં ૩૨થી ૩૩ ​ડિગ્રી તાપમાન છે જે આવનારા દિવસોમાં ૩૭ ડિગ્રી સુધી પહોંચી જશે. એથી મુંબઈગરાઓએ જો એ દિવસોમાં બપોરે બહાર નીકળવાનું થાય તો તડકાથી બચવા પોતાની કાળજી રાખે.’   

mumbai news mumbai weather