11 April, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લકી જંક્શન પાસે જળબંબાકાર થયેલા રસ્તા (તસવીરો : અતુલ કાંબળે)
બાંદરા-વેસ્ટમાં ગઈ કાલે બપોરે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન ફાટવાને કારણે લકી જંક્શન પાસે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે અઠવાડિયાં પહેલાં જ આ પાઇપલાઇનને રિપ્લેસ કરવામાં આવી હતી. પાઇપલાઇનમાં ભંગાણ પડતાં રસ્તાઓ પર હજારો લીટર પાણી ફરી વળ્યું હતું, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લકી જંક્શન પાસે રસ્તા પર પડેલો ખાડો પૂરવા મુકાયેલી મેટલની શીટને નુકસાન થતાં ફરી આ રસ્તો ડૅમેજ થયો છે.
BMCએ આપેલી માહિતી મુજબ જળાશયમાંથી આવતી ૭૫૦ મિલીમીટરની પાઇપલાઇનના ઇન્લેટમાં લીકેજ થયું હતું. અચાનક પાણીનો પ્રવાહ રસ્તા પર ફરી વળ્યો હતો. એને પગલે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક-વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. અનેક રાહદારીઓ ઘૂંટણ સુધીના પાણીમાં ચાલીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા હતા. રસ્તાની બાજુ પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં.
થોડા સમય માટે આ રસ્તા પર ટ્રાફિક અટકાવી દેવાયો હતો.