17 June, 2026 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આખા વર્ષ માટે ભરેલા ચોખા સાચવવા માટે એમાં મૂકેલું પેસ્ટિસાઇડ શ્વાસમાં જતાં ગિરગામની બે વર્ષની બાળકીને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ આપેલી માહિતી મુજબ ચોખામાં અત્યંત ઝેરી મનાતું પેસ્ટિસાઇડ ઍલ્યુમિનિયમ ફૉસ્ફાઇડ હતું જે શ્વાસમાં જતાં બાળકીને ૧૫ કલાકમાં ૩ કાર્ડિઍક અરેસ્ટ આવ્યા હતા. હાલ તે બાળકી હાજી અલીની હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.
મળેલી માહિતી મુજબ બાળકીને શનિવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડીહાઇડ્રેશન તેમ જ ઊલટી અને ડાયેરિયાની તકલીફ થઈ હોવાથી તેને હૉસ્પિટલમાં લવાઈ હતી. બાળકીનાં મમ્મી-પપ્પાએ તેમના ઘરે ચોખા રાખવા માટેના મોટા કન્ટેનરમાં હાલમાં જ ઍલ્યુમિનિયમ ફૉસ્ફાઇડ પેસ્ટિસાઇડનાં પૅકેટ મૂક્યાં હતાં. ત્યારથી જ એમાંથી તીવ્ર ગંધ આવતી હતી અને એને કારણે તેમની મોટી દીકરીને પણ ઊલટીઓ થઈ હતી. જોકે તે બે દિવસમાં સાજી થઈ ગઈ હતી.
પાયધુનીના ડોકાડિયા પરિવારનાં મૃત્યુ ઝિન્ક ફૉસ્ફાઇડને કારણે થયાં હોવાનું તારણ છે. આ બનાવના દોઢ મહિના બાદ જ મુંબઈમાં આ બીજો બનાવ બનાવ સામે આવ્યો છે ત્યારે આ પ્રકારની જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘાતક નીવડી શકે છે એ બાબતે ચેતવું જોઈએ.
ડૉક્ટરોએ કહ્યું હતું કે ‘ઍલ્યુમિનિયમ ફૉસ્ફાઇડને કારણે થતી ઝેરી અસર માટે કોઈ ચોક્કસ ઍન્ટિ-ડૉટ હજી સુધી શોધાયો નથી એટલે હાલ તે બાળકીને એક્સ્ટ્રાકૉર્પોરિયલ મેમ્બ્રેન ઑક્સિજનેશન (ECMO) દ્વારા સારવાર અપાઈ રહી છે. આ દ્વારા તાત્પૂરતા ધોરણે બાળકીનું હૃદય, ફેફસાં અને કિડની ચાલી રહ્યાં છે. ૨૪ કલાક તેને ECMO પર રખાઈ છે.’