03 August, 2025 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જુહુ બીચના સિલ્વર બીચ પર ગોદરેજ ગેટ નજીક શુક્રવારે સવારે બે યુવાનો તણાઈ ગયા હોવાની ઘટના બની હતી. બીચ પર હાજર લાઇફગાર્ડે એક યુવકને બચાવી લીધો હતો, પરંતુ ભરતીને કારણે બીજો યુવક પાણીમાં ખેંચાઈ ગયો હતો.
મુંબઈ ફાયર-બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે આ બનાવ બન્યો હતો. ભરતી હોવા છતાં બે યુવકો દરિયાના પાણીમાં ઊતર્યા હતા. એ સમયે દરિયામાં વધુ કરન્ટ હોવાને કારણે તેઓ અંદર ખેંચાઈ ગયા હતા. લાઇફગાર્ડે તાત્કાલિક ઍક્શન લઈને એક યુવકને બચાવી લીધો હતો, જ્યારે બીજો યુવક દરિયાનાં મોજાં સાથે અંદર તણાઈ ગયો હતો.’
ત્યાર બાદ દરિયામાં તણાઈ ગયેલા યુવાનને શોધવા માટે ફાયર-બ્રિગેડ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસની ટીમની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગના કન્ટ્રોલરૂમ તરફથી મળેલી માહિતી મુજબ ભરતીને લીધે સાંજ પછી સર્ચ-ઑપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું.
જુહુના ગોદરેજ ગેટ પાસે શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે બે યુવાનો દરિયામાં નાહવા પડ્યા હતા. એમાંના એક યુવક રાજકુમાર સુબ્બાને લાઇફગાર્ડે બચાવી લીધો હતો, પણ તેનો મિત્ર વિજ્ઞેશ મુરુગેશ દેવેન્દ્રમ તણાઈ ગયો હતો. તેને શોધવા ફાયર-બ્રિગેડ અને BMCના લાઇફગાર્ડે દિવસ દરમ્યાન સતત રેસ્ક્યુ ઑપરેશન ચલાવ્યું હતું, પણ તે નહોતો મળ્યો. અધારું થતાં રેસ્ક્યુ ઑપરેશન રોકવામાં આવ્યું હતું. વિજ્ઞેશનો મૃતદેહ શુક્રવારે રાતે ૧૦.૩૦ વાગ્યે એ જ બીચ પર માછીમારોને મળી આવ્યો હતો.